VIDEO સુરત: હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ખુલ્લેઆમ રખડે છે કુતરા
શહેરના કામરેજ વિસ્તારની દીનબંધુ હોસ્પિટલનો એક એવો વીડિયો બહાર આવ્યો છે જેને જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા.
ચેતન પટેલ, સુરત: શહેરના કામરેજ વિસ્તારની દીનબંધુ હોસ્પિટલનો એક એવો વીડિયો બહાર આવ્યો છે જેને જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. હોસ્પિટલના પ્રસુતિ અને નવજાત શિશુ વિભાગમાં કૂતરા બેરોકટોક ફરતા હોવાનો વીડિયો વાઈરલ થતા હોસ્પિટલ તંત્ર સફાળુ જાગ્યુ અને દોડતું થયું. હોસ્પિટલના ટ્રસ્ટીએ પોતાની ભૂલ કબુલી અને આવી ઘટના બીજીવાર ન બને તેની ખાતરી આપી.
સુરતના કામરેજ ખાતે આવેલી દીનબંધુ હોસ્પિટલ આમતો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે પરંતુ વાયરલ થયેલા એક વિડીયોએ સુરક્ષાની પોલ ખોલી નાખી છે.દીનબંધુ હોસ્પીટલમાં પ્રસુતિ વિભાગમાં છેલ્લા ત્રણ દિવસથી સ્વાન ફરતા હોવાથી એક મહિલા દર્દીના પતિએ ખુલ્લેઆમ ઘૂમતા કૂતરાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. કારણ કે દીનબંધુ હોસ્પીટલમાં જે વિભાગમાં નવજાત બાળકોનો જન્મ થાય એ વિભાગમાં સ્વાન ફરતા દેખાતા બાળકોની સુરક્ષાને લઇ દર્દીના સગાએ અનેક સવાલો ઉઠાવ્યા હતા.
જોકે આ ગંભીર બાબતને હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી અને બીજી વાર આવી ઘટના નહી બને એ માટે ખાતરી આપી હતી.આમતો દીનબંધુ હોસ્પિટલ માં સુરક્ષાને લઈને વોચમેન મુકવામાં આવ્યા છે. હોસ્પીટલમાં ત્રણ દરવાજા ઓળંગી સ્વાન પ્રસુતિ વિભાગ સુધી પહોંચી ગયા હતા.