ઝી ન્યૂઝ/અમદાવાદ: વિદેશની ધરતી પર ગુજરાતના કલાકારો પર ડોલરનો વરસાદ થાય તે હવે સામાન્ય વાત બની ગઈ છે. અમેરિકામાં ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારી પર ડોલરનો વરસાદ થયો હોવાની માહિતી મળી રહી છે. અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુના વેલેન્સિયા હાઈસ્કૂલ ઓડિટોરિયમમાં લેબોન હોસ્પિટલિટી ગૃપના સહયોગથી 'ગીતો ગરવી ગુજરાતના' લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતના લોકગાયકો ગીતા રબારી, સંજય જાદવ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં માયાભાઈ આહીર અને ગીતા રબારીનું સમ્માન પણ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે, આ પહેલા પણ ગીતા રબારી પર લોકડાયરામાં ડોલર ઉડ્યા હતા, ત્યારે હવે ફરી ગીતા રબારી પર ડોલરનો વરસાદ થયો છે..



ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમેરિકામાં જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પીડિતોને મદદ માટે એક ડાયરાનું આયોજન કરાયું હતું. અમેરિકાના ટેક્સાસમાં આ ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છની કોયલ તરીકે ઓળખાતી ગીતા રબારીએ ધૂમ મચાવી હતી. આ ડાયરામાં પણ ડોલરનો વરસાદ થયો હતો. ટેક્સાસમાં યોજાયેલા ડાયરામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ડાયરામાં ગીતા રબારી પર 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયું હતું. અમેરિકામાં આ ડાયરાનું આયોજન સુરતનાં લેઉઆ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


તમને જણાવી દઈએ કે ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ શહેરોની કોન્સર્ટમા હાજરી આપી હતી. તેમના વિવિધ કાર્યક્રમમાં તેમના પર ડોલરનો વરસાદ થઈ રહ્યો છે.