અમદાવાદ : રાહુલ ગાંધીની સ્પષ્ટ મનાઈ છતાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના છેલ્લા દિવસે પ્રચાર સમયે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પીએમ મોદી પર વ્યક્તિગત હુમલો કરી જ દીધો છે. અલ્પેશે મોદીના ખાનપાન પર નિશાન સાધીને કહ્યું છે કે તેઓ તાઇવાનથી ઇમ્પોર્ટ કરાયેલા મશરૂમ ખાય છે. મોદીજી જે મશરૂમ ખાય છે એ એક મશરૂમની કિંમત 80 હજાર રૂ. હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશે પોતાના નિવેદનમાં વિશેષમાં કહ્યું છે કે મોદી રોજ આવા પાંચ મશરૂમ ખાય છે જેનો સીધો મતલબ એ થાય છે કે મોદી દિવસમાં ચાર લાખ રૂ.ના મશરૂમ ખાઈ જાય છે. પોતાના ભાષણમાં ભાજપ પર હુમલો કરતા અલ્પેશે કહ્યું કે પીએમ મોદી જ્યારે એક દિવસમાં ચાર લાખ રૂ.ના મશરૂમ ખાઈ જાય છે તો તેમના પક્ષના કાર્યકરો કેટલા ખાઈ જતા હશે? અલ્પેશના આ નિવેદન પર તાઇવાનની એક મહિલાએ પલટવાર કર્યો છે. સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલો આ 27 સેકંડનો વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ભાજપના પ્રવક્તા તેજિંદર સિંહ બગ્ગાએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કર્યો છે. 



વીડિયોમાં તાઇવાનની મહિલા કહે છે કે, "હું મેસી જો છું. હું તાઇવાનથી છું. આજે મેં ભારતના એક સમાચાર જોયા જેમાં એક ભારતીય નેતાએ જણાવ્યું છે કે તાઇવાનમાં એવા મશરૂમ મળે છે જેની કિંમત 1200 ડોલર છે અને જો તમે એ મશરૂમ ખાશો તો ગોરા થઈ જશો. મેં મારા દેશમાં આવી કોઈ વાત નથી સાંભળી. આ શક્ય નથી એટલે મારા દેશને તમારા રાજકારણમાં ન સંડોવો."


સ્પષ્ટ છે કે પોતાના આ નિવેદનથી અલ્પેશ ઠાકોર ખરાબ રીતે ઘેરાઈ ગયા છે અને તેની પાસે પોતાની સ્પષ્ટતા કરવાનો કોઈ મોકો પણ નથી. હકીકતમાં 14 ડિસેમ્બરે થનારા વોટિંગ માટે પ્રચાર ગઈ કાલે જ બંધ થઈ ગયો છે એટલે અલ્પેશ આ મામલે કંઈ કહી શકે એમ નથી.