કોરોનાઃ મોડો ટેસ્ટ કરાવતા દર્દીમાં મૃત્યુનું જોખમ વધુઃ ડો. રણદીપ ગુલેરિયા
આજે સવારે ડો. રણદીપ ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો, જયંતિ રવિ, ડો. એમ.એમ પ્રભાકર સહિત સીનિયર ડોક્ટરો સાથે મળીને સારવારની માહિતી મેળવી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે, તેમાં પણ અમદાવાદમાં કોરોનાનું સંકટ ખુબ વધી ગયું છે. ત્યારે શહેરમાં વધતા જતા કેસો વચ્ચે ગઈકાલે મોડી રાત્રે દિલ્હી એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયા તથા તેમની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. આજે સવારે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું કે, અહીં હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે લોકોમાં લક્ષણ જણાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પોતાની અને બીજાની જિંદગી બચાવી શકાય છે.
તેમણે કહ્યું કે, મોડો ટેસ્ટ કરાવવાથી મૃત્યુનું જાખમ વધી જાય છે. તાત્કાલીક સારવાર કરવાથી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. તેમણે અમદાવાદમાં વધતા મૃત્યુદર પર કહ્યું કે, અહીં લોકો મોડા દાખલ થવાથી મૃત્યુદર વધ્યો છે. જે લોકોમાં લક્ષણ દેખાય તેણે તુરંત ટેસ્ટ કરાવવો જોઈએ. સાથે તેમણે કહ્યું કે, મોટી ઉંમરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકો ઘરમાં રહીને આ કોરોનાનો કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. લોકોની મદદ વગર આ રોગનો સામનો કરવો શક્ય નથી. તેમણે હોસ્પિટલના ડોક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન પણ આપ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. કોવિડ - 19 ના લક્ષણો જણાતા તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જોઈએ. મોટી ઉંમરના વ્યક્તિઓ અને comorbid લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાવાયરસ થી સંક્રમિત થયાના વધુ દિવસો બાદ જ્યારે દાખલ થાય છે ત્યારે તેઓને તકલીફ વધી જાય છે એ પણ એટલું જ સત્ય છે.
ઉપરાંત એસિમ્ટોમેટીક દર્દીઓ માં પણ વાયરસ તેનો પ્રભાવ બરકરાર રાખે છે અને વ્યક્તિના શરીરમાં ઓક્સિજનો ઘટાડો થતો હોય છે, જેનો દર્દીને ઘણી વાર ખ્યાલ રહેતો નથી. તેને પગલે ન જોઈતા પરિણામો ભોગવવા પડે છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકજાગૃતિ અને લોક સહકાર વિના આ જંગ જીતવી મુશ્કેલ છે ત્યારે સોશિયલ distance, લોક ડાઉનનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
આજે સવારે ડો. રણદીપ ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો, જયંતિ રવિ, ડો. એમ.એમ પ્રભાકર સહિત સીનિયર ડોક્ટરો સાથે મળીને સારવારની માહિતી મેળવી હતી. ડોક્ટર ગુલેરિયાની સાથે ડો. મનીષ સૂનેજા પણ આવ્યા છે. ત્યારબાદ આજે સાંજે બંન્ને તબીબો ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર