તેજસ દવે/મહેસાણા: જિલ્લામાં ચોમાસા દરમ્યાન હવે મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે અને તેના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય એવી દહેશત જોવા મળી રહી છે. આથી મચ્છરના ઉપદ્રવને ડામવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મચ્છરના લાર્વાની નાબુદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વિસાઈડ છંટકાવના પાયલોટ પ્રોજેકટનો મહેસાણા જિલ્લાના વિસનગરથી પ્રારંભ કરાવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સેન્સર આધારીત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરના ઉપદ્રવને ડામવા મહેસાણા જિલ્લાથી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે.


ડ્રોનની મદદથી લાર્વા વિરોધી દવાનો છંટકાવ કરવામાં આવશે
હાઇરાઇઝ બિલ્ડીંગ, ખાબોચિયા, તળાવોમાં ભરાયેલ પાણીના ડ્રોનની મદદથી ફોટા લઇને મચ્છરના લાર્વાની નાબૂદી કરવા દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મચ્છરના લાર્વાની નાબૂદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વીસાઇડ (BTI) છંટકાવના પાયલોટ પ્રોજેક્ટનો મહેસાણા જિલ્લાથી શુભારંભ કરાવ્યો છે. આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ (AI) અને મશીન લર્નીંગ (ML) ના સુગમ્ય સમન્વયના પરિણામે આરોગ્યક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે તેવો ભાવ આરોગ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લાર્વીસાઈડ સ્પ્રે કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ
ડ્રોનની મદદથી મચ્છરના લાર્વાની નાબૂદી માટે ઓર્ગેનિક લાર્વીસાઇડ (BTI) છંટકાવનો આ પ્રોજેકેટ્ દેશમાં સંભવિત સૌપ્રથમ હોવાનો દાવો છે. આ ડ્રોનની મદદથી ઉંચી બિલ્ડીંગ પર ભરતા પાણી, મોટા તળાવો અને ખાબોચિયા જેવા વિસ્તારોમાં ભરાયેલ પાણીની જગ્યાઓને શોધીને હેવી ડ્યુટી ઓટોમેટીક સ્પ્રે ડ્રોનના ઉપયોગથી લાર્વીસાઈડ છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે પાણી ભરાયેલ વિસ્તારમાં મચ્છર ઈંડા મુકે છે. આ ટેકનોલોજી દ્વારા લાર્વા મચ્છરમાં રૂપાંતરિત થાય તે પહેલા જ તેનો લાર્વીસાઈડ સ્પ્રે કરી નિયંત્રણ કરવામાં આવે છે.



આ આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગનું  નિયંત્રણ કરવામાં આરોગ્ય વિભાગને સહાય મળશે.એટલે કે જે વિસ્તારોમાં ગ્રાઉન્ડ સર્વેલન્સ ટીમનું પહોંચવું મુશકેલ છે તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ખાનગી કંપની સહયોગ થી Artificial Intelligence / Machine Learning સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે અને છંટકાવ માટેનો આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. 



અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લા પંચાયત અને પ્રાઈમ યુએવી પ્રાઇવેટ લિમીટેડ કંપની દ્વારા પ્રાયોગિક ઘોરણે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેની સફળતાબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના સર્વે અને દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube