સ્નેહલ પટેલ/દાંડી : ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આવતીકાલે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. ત્યારે આ નમક સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે. જેમાં જોઈ શકાય છે કે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપુ સાથે 81 લડવૈયાઓનું પણ સ્મારક
સ્મારકમાં ભૂરા કલરમાં ક્રિસ્ટલ મૂકવામાં આવ્યું છે. દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ સિવાય ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા છે. સૈફી વિલાની સામે 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે. તો સરોવરની આજુબાજુ પાથ-વે બનાવાયા છે. પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા, પાર્કિગ, લાઈબ્રેરી, હોલ વગેરે જેવી સુવિધાઓ મૂકાઈ છે.


મૈને નમક કા કાનૂન તોડા હૈ...
દાંડી યાત્રા અને મીઠાના સત્યાગ્રહને આઝાદીની લડતનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. અંગ્રેજોએ મીઠા પર કર લગાવતા વર્ષ ૧૯૩૦માં ગાંધીજીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો. ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને મીઠા પર કર લગાવવો અન્યાયી પગલું લાગ્યું, જેના વિરોધમાં બાપુએ આ સત્યાગ્રહ કર્યો હતો. અમદાવાદથી 80 જેટલા સાથીદારો સાથે બાપુએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રાની શરૂઆત કરી અને ૬ એપ્રિલ ૧૯૩૦ના દિવસે નવસારીના દાંડી પહોંચી હતી. જ્યાં કર ભર્યા વગર બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને બોલ્યા કે, "મૈને નમક કા કાનુન તોડા હૈ" આ ઘટના બાદ દેશના અનેક ભાગોમાં આવી રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો અને અંગ્રેજ સરકાર સામે વિરોધ વધતો ગયો. ત્યારે ગાંધીજીની આ પદયાત્રાને દાંડી કૂચ તરીકે પણ ઓળખવામાં આવે છે.


ગામોના સ્મારક પણ મૂકાયા છે
આઝાદીની ચળવળમાં આ દાંડીકૂચનું અતિ મહત્વનું સ્થાન છે. આ દાંડીકૂચને મહત્વ આપતા અને ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને વિશ્વના ફલક પર મૂકવા માટે આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યુ્ં છે. સ્મારક પર કૂચને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાંડી કૂચ દરમિયાન ગાંધીજી 24 ગામોમાં રોકાયા હતા. એ તમામ ગામોના સ્મારક પણ અહીં મૂકવામાં આવ્યા છે. 40 મીટરનો ઊંચો ક્રિસ્ટલ ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે. જે ક્રિસ્ટલ ટાવર દીવાદાંડીનુ પણ કામ કરાયું છે. જ્યારે ટાવરની નીચે પંચધાતુની મહાત્મા ગાંધીજીની 15 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે.


સોલાર પાર્ક વિશેષતા
સત્યાગ્રહના સ્મારકની એક વિશેષતા અહીંનો સોલાર પાર્ક છે. અહીં વિશાળ સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. જે સોલાર પાર્કમાં 41 સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે. આ સોલાર ટ્રીઝ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીનો સ્મારકમાં ઉપયોગ કરવામાં આવશે.