અજય શીલુ, પોરબંદરઃ વધુ વરસાદ અને વાવાઝોડા સહિતની કુદરતીઆફતને કારણે આ વખતે રાજ્યના ખેડૂતો અને દરિયો ખેડતા સાગર ખેડૂ બંન્નેની આર્થિક સ્થિતિ કફોડી બની છે. દરિયામાં માછલીઓનો પૂરતો જથ્થો ન હોવાથી માછીમારોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર બંદર પર માછીમારીની ચાલુ સીઝને પણ હાલમાં હજારો બોટોનો ખડકલો થયેલો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લામાં ખેતી પછીનો સૌથી વધુ રોજગારી આપતો અને મુખ્ય ઉદ્યોગ કોઈ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. દેશને કરોડો રુપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપનાર આ માછીમારી ઉદ્યોગ હાલમાં ખુબજ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. જેના કારણે આજે ચાલુ સીઝને પણ હજારો બોટો દરિયામાં માછીમારી કરવા જવાને બદલે બંદર પર લાંગરેલી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં હાલમાં નાની મોટી કુલ 5 હજારથી વધુ બોટો અને પિલાણા છે. તેમાંથી હાલમાં 50 ટકા બોટોને બોટ માલિકો ફિશીંગમા મોકલવાને બદલે બંદર પર લાંગરી દેવા મજબુર બન્યા છે. નજીકના દરિયામાં હાલમાં માછલીઓનો જથ્થો નહીં હોવાથી માછલીઓની શોધમાં ઉંડા મધ દરિયામાં જવાની ફરજ પડે છે. ત્યા પણ માછલીઓનો જથ્થો નહીં હોવાથી બોટ માલિકોને મોટું નુકસાન સહન કરવાનો વારી આવી રહ્યો છે. 


Corona Update: રાજ્યમાં નવા 1512 કેસ, 14 મૃત્યુ, ગુજરાતનો રિકવરી રેટ 91.15%


ફિશીંગની 15 દિવસની એક ટ્રીપમાં બોટ માલિકોને સાડા ત્રણ લાખની આસપાસ પડે છે જેમા બે લાખથી વધુનુ તો ડીઝલનો ખર્ચ આવે છે. તો સાથે જ ખલાસીઓ અને ટંડેલ સહિતના પગારો આ તમામની સામે માછલીઓનો જે જથ્થો ફિશીંગમાં આવે છે તે માત્ર લાખથી દોઢ લાખ જેટલો થતો હોવાથી બોટ માલિકોને નફો થવાને બદલે મોટી નુકસાની સહન કરી રહ્યાં હોવાથી તેઓ બોટોને ફિશીંગમાં મોકલવાને બદલે બંદર પર લાંગરવા મજબુર બન્યા છે.


પોરબંદર જિલ્લામાં જે રીતે ચાલુ સીઝન દરમિયાન પણ બોટો દરિયામાં હોવાને બદલે બંદરો પર ખડકલો જોવા મળી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે, હાલમાં એક ફિશીંગ ટ્રીપમાં સાડા ત્રણ લાખ જેટલો મોટો ખર્ચ થતો હોય તેની ખર્ચ નિકળી શકે તેટલો માલ પણ ન આવતો હોવાથી બોટો બંધ થઈ રહી છે. ચાઈનામાં પણ જે રીતે કોરાને કારણે છેલ્લા ઘણા સમયથી જે ફીશ એક્સપોર્ટ નામ માત્રનુ છે તેને લઈને પણ માછીમારોને પુરો ભાવ મળતો નથી. હાલમાં 50 ટકા બોટ બંધ થઈ ગઈ છે અને એવુ લાગે છે આવી જ પરિસ્થિતિ રહી તો 75 ટકા બોટોને બંદર પર લાંગરવા બોટ માલિકો મજબુર બનશે.


કોરોનાને કારણે બેરોજગાર બનેલા બેન્ડવાજા, બગીવાળા અને સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા લોકોની રેલી


પોરબંદરનો માછીમાર ઉદ્યોગ છેલ્લા બે ત્રણ વર્ષથી સતત વાવાઝોડા અને ભારે વરસાદ સહિતની કુદરતી આપત્તીઓને કારણે મુશ્કેલીમાં મુકાયો છે તો સાથે જ દરિયામાં સતત માછલીઓનો ઘટતો જતો જથ્થાએ પણ માછીમારોની ચિંતા વધારી છે ત્યારે માછીમારો અને બોટ માલિકો પણ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે,જે રીતે ખેડૂતોને સરકાર મદદરુપ થાય છે તેવી રીતે સરકાર દ્વારા સાગર ખેડૂઓને પણ જરુરી સહાય આપે તો આ આર્થિક મુશ્કેલીની ઝાળમાં ફસાયેલ ઉદ્યોગ ફરી બહાર નિકળી શકે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube