દૂધસાગર ડેરીમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન, આજે ચૂંટણીમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે
- દૂધસાગર ડેરીની ચૂંટણીને લઇ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો
- ડેરીમાં સત્તા મેળવવા માટે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી જૂથ વચ્ચે આજે જંગ
અર્પણ કાયદાવાલા/તેજસ દવે/મહેસાણા :ગુજરાતના ડેરી રાજકારણ માટે આજનો દિવસ મહત્વનો છે. ભારે રસાકસી અને ખેંચતાણ વચ્ચે આજે ઉત્તર ગુજરાતની મહત્વની દૂધસાગર ડેરીની ચૂંટણી શરૂ થઈ છે. દૂધસાગર ડેરી (dudhsagar dairy) ની કુલ 15 બેઠકો માટે વર્ધમાન વિદ્યા સંકુલમાં મતદાન થશે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ડેરીમાં સત્તા મેળવવા માટે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (vipul chaudhary) અને અશોક ચૌધરી (ashok chaudhary) જૂથ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહ્યું છે. ત્યારે આજે 11 મંડળીઓ અને દૂધના જથ્થાના આધારે 4 બેઠકોનું મતદાન થશે. કુલ 1126 મતદારો પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાનું ભવિષ્ય નક્કી કરશે.
આ પણ વાંચો : વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ આવ્યો, ગુજરાતમાં કુલ 5 કેસ
સાંજે જ મતગણતરી થશે
મહેસાણાની સાર્વજનિક શાળામાં મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે શાળામાં કુલ 11 બૂથ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીથી લઈને પટાવાળા સુધી કુલ 80 કર્મચારીઓનો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાશે. તો ચૂંટણીમાં કોઈ બાધા ઉભી ન થાય તે માટે 250 પોલીસ કર્મચારીઓ, 3 ડીવાયએસપીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કુલ 15 બેઠકો માટે 39 ઉમેદવારો મેદાનમાં છે. તો 15 પેનલ માટે 9 અપક્ષ ઉમેદવાર છે. બેલેટ પેપરથી આ મતદાન યોજાશે. અગાઉ ચૂંટણીમાં 39 ઉમેદવાર હતા, જોકે, સિદ્ધપુર નાગવાસણા અને દસાવાડા દૂધ મંડળીના ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છે. આ બંને દૂધમંડળી દ્વારા હાઈકોર્ટમાં ચૂંટણી લડવા રિટ કરાઈ હતી. ત્યારે બંને કોર્ટે ઉમેદવારોને ચૂંટણી લડવા સહમતિ આપી હતી. જોકે, મુખ્ય જંગ વિપુલ ચૌધરી અને અશૌક ચૌધરીની પેનલ વચ્ચે છે.
આ પણ વાંચો : સીંગદાણા જેવા અજીબ ફ્રુટની ગુજરાતના માર્કેટમાં એન્ટ્રી, તમે ખાધું કે નહિ?
ચૂંટણી પહેલા અશોક ચૌધરીનું નિવેદન
પરિવર્તન પેનલના અશોક ચૌધરીએ મતદાન પહેલા નિવેદન આપ્યું કે, આ વખતે મતદારોએ પરિવર્તન પેનલને જીતાડવાનું મન બનાવ્યું છે. અમારો તમામ બેઠક ઉપર વિજય થશે.
દૂધસાગર ડેરીની ચૂંટણીને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી 5 તારીખે ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિપુલ ચોધરી અને અશોક ચોધરીના જૂથે સત્તામાં આવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બંને જૂથ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અશોક ચોધરીના જૂથ દ્વારા વિપુલ ચોધરી પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામા આવ્યા છે. તો સાથે જ આ ચૂંટણીમાં પશુપાલકો અશોક ચૌધરી સાથે હોવાની વાત કરી રહ્યા છે. વિપુલ ચોધરીના શાસન દરમિયાન અનેક કૌભાંડો થયા હોવાના આક્ષેપ સાથે હાલ ડેરીની ૧૫ એ ૧૫ બેઠકો પર અશોક ચૌધરીની જીતનો દાવો અશોક ચોધરીના સમર્થકોએ કર્યો છે.
બોનસ પગાર કૌભાંડ મામલે હાલ વિપુલ ચોધરી જેલમાં છે. પરંતુ હાઇકોર્ટમાં વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાને લઇ રાહત મળતો ચુકાદો આવ્યો છે. જેથી વિપુલ ચૌધરી ખેરાલુ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે અને વિપુલના સમર્થકો દ્વારા સરકાર કિન્નાખોરી કરી રહી હોવાના આક્ષેપ કરાયો છે. વિપુલ ચોધરી પર ખોટા કેસો કરી રહી હોવાની વાત પણ કરાઈ હતી.
બંને પક્ષોએ ડેરીમાં સત્તા હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું, સામસામે આક્ષેપો કર્યા, પરંતુ પશુપાલકો અને મતદારો કોને બહુમતી આપીને ડેરીની સત્તાનું સુકાન સોંપે છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. હવે જોવું રહ્યું કે ડેરીમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન.