ચેતન પટેલ/સુરત :કોરોનાને કારણે છેલ્લા 8 મહિનાથી ગુજરાતની અનેક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હાલાકીનો સામનો કરી રહી છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની સ્થિતિ અનલોક-૪ બાદ પણ જેમની તેમ જ છે. એક તરફ સરકારી ગાઈડલાઈનને લઈને લોકો કાર્યક્રમ કરવા કે ન કરવા તે વિશેની ગેરસમજનો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ રાત્રિ કરફ્યૂ (night curfew) ને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીને 1200 કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનથી શરૂ કરીને અત્યાર સુધી આર્ટિસ્ટ તેમજ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના પરિવારોનું ગુજરાન મુશ્કેલીમાં મૂકાયું છે. ત્યારે કોરોનાના ફેઝ-2 ને કારણે રાત્રિ કરફ્યૂ જાહેર કરાતા કારણે માંડ માંડ થયેલા બુકિંગ પણ કેન્સલ થવા માંડ્યા છે. જેને કારણે ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના હાલ બેહાલ થયા છે. 


ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સાઉથ ગુજરાતમાં નાના-મોટા મળીને અંદાજિત પાંચ જેટલા એસોસિએશન છે. તેમાં રજિસ્ટર્ડ લોકો 12 હજારની આસપાસ છે અને તેમાં 6:30 થી 7 લાખ જેટલો સ્ટાફ છે. આ ઇન્ડસ્ટ્રી મોટી છે અને લોકડાઉન ખૂલ્યા બાદ સરકારે થોડી ઘણી રાહત આપી છે તેને લીધે થોડા ઘણા બુકિંગ આવ્યા છે. કારણ કે લોકડાઉનને કારણે ઘણા વ્યક્તિઓના લગ્ન મોકૂફ થયા હતા. પરંતુ રાત્રિ કરફ્યૂને કારણે હવે બુકિંગ કેન્સલ થવા માંડ્યા છે. જેને કારણે તેઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને હાલ આ ઈન્ડસ્ટ્રીને 1200 કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે અને સાથે જ સંકળાયેલા 7 લાખથી વધુ લોકોની પરિસ્થિતિ પણ કફોડી બની છે.


આ વિશે સુરતના વિકાસ જુનેજાએ જણાવ્યું કે, એક અંદાજ પ્રમાણે ઇવેન્ટસ, કેટરિંગ, મંડપ, લાઈટિંગ મળીને 1200 કરોડ રૂપિયાનું નુકસાન થશે. કુલ મળીને આશરે 2500 થી 3000 જેટલા બુકિંગ હતા અને છેલ્લા 7 મહિનાની મોકૂફ ઈવેન્ટ અમને આ દોઢ મહિનામાં કરી શકવાની આશા હતી. પરંતુ આ રાત્રિ કરફ્યુને કારણે તે શક્ય બનશે નહિ. અમને મોટું નુકસાન થશે. કારણ કે છેલ્લા આઠ મહિનાથી વેપાર થયો નથી. ઘણા લોકો એવા છે જે લોકોએ લોન લીધી હતી. હવે આ લોન કઈ રીતે ચૂકતે કરી શકાશે તે ચિંતા તેઓને ઘર કરી ગઈ છે.