જીતુ વાઘાણી સાથે શીર્ષ સંવાદ: `ચૂંટણી વ્યક્તિ નહીં પરંતુ કમળ લડે છે, લોકો કમળને મત આપે છે`
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ઝી 24 કલાકના ચેનલ હેડ દિક્ષિત સોનીએ ખાસ વાતચીત કરી જેના અંશ અહીં રજુ કર્યાં છે. આ મુલાકાતમાં જીતુ વાઘાણીએ આવનારી 6 બેઠકો માટેની પેટાચૂંટણી તથા વિરોધીઓના પ્રહારો તથા અન્ય પડકારો પર ખુલીને વાત કરી. આવનારી 6 વિધાનસભા પેટાચૂંટણીના સ્થાનિક મુદ્દાઓ, કલમ 370, રામ મંદિર, અલ્પેશ ઠાકોર... જાણો તેમણે આ સમગ્ર મુદ્દાઓ પર શું જવાબ આપ્યો.
સવાલ: વાત વિધાનસભાની 6 પેટાચૂંટણીની કરીએ તો...શું લાગે છે અબ કી બાર 100 કે પાર કે 106 કે પાર?
જવાબ: તમે કહો છો કે આજે ચૂંટણી પ્રચાર બંધ થાય છે પરંતુ ભાજપ માટે ક્યારેય લોકોને મળવાનું, પ્રસાર કરવાનું બંધ થતુ નથી. ચૂંટણી કે વ્યવસ્થા સંદર્ભે બંધ થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા મેદાનમાં હોય છે. 100 કે પારનો તો પ્રશ્ન જ નથી કારણે જે પ્રકારની ભાજપની સ્થિતિ છે, કોંગ્રેસ કરતા પ્રચાર પ્રસાર, લોકો સંપર્ક કરવામાં, લોકોનો પ્રેમ જીતવામાં ઘણી આગળ છે. અમે આશ્વસ્થ તો છીએ જ પરંતુ સ્વસ્થ પણ છીએ.
સવાલ: વિધાનસભાની આ 6 બેઠકોમાંથી કઈ બેઠક તમને વધુ પડકારજનક લાગે છે?
જવાબ: દરેક ચૂંટણી, દરેક સીટ એ પડકારજનક જ હોય છે. ચૂંટણી અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ બાબતો, પ્રશ્નો લઈને આવે છે પરંતુ પાર્ટીઓની ફરજ છે, ખાસ કરીને સત્તાધારી પાર્ટી તેમાં પણ અમારું.. નરેન્દ્રભાઈનું જે પ્રકારનું નેતૃત્વ છે, અમીતભાઈનું જે પ્રકારનું માર્ગદર્શન...નડ્ડાજીનું જે પ્રકારનું માર્ગદર્શન મળે છે સમગ્ર દેશને..ગુજરાતને...95 પછીથી અમારી સરકાર છે. અમે વિચારને લઈને ચાલીએ છીએ. એ બધી બાબતોને લઈને પાર્ટી પોતાનો પક્ષ રાખે છે. અમે શું કરવા માંગીએ છીએ..અમે શું કર્યુ છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે શું સ્થિતિ હતી ગામમાં, શહેરમાં...પોતાના જીવનથી માડીને ગામમાં, શહેરમાં, સમાજસેવામાં સુધારા કેવી રીતે થયા છે એ એ વાત હવે તો મને એવું લાગે છે કે પ્રસ્થાપિત થઈ છે પરંતુ સમયાંતરે મને એવું લાગે છે ફરીથી નવા વિચારો લઈને કે અમે શું કરવા માંગીએ છીએ તે મૂકવાની હોય છે અને મને એવું લાગે છે કે અમે એ વાતો મૂકીએ છે. દરેક ચૂંટણી મહત્વની છે. અમિતભાઈ કાયમ કહે છે. દરેક ચૂંટણી પોતાના વિષયો લઈને આવે છે. દરેક ચૂંટણીમાં સંઘર્ષ હોય છે. અમને પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને છ એ છ બેઠકો મળશે. કારણ કે વ્યક્તિ નહીં કમળ લડે છે અને કમળને લોકો પ્રેમ કરે છે. મત આપે છે. કમળમાંથી સફળતા મેળવે છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
સવાલ: બાયડ અને રાધનપુરની જો વાત કરવામાં આવે તો આ બંને બેઠકો પર જે ઉમેદવારોની સામે 2017માં તમે પ્રચાર કર્યો હતો આજે તેમનો જ પ્રચાર તમે કરો છો.
જવાબ: અમે તેની ના નથી પાડતા પણ હવે તેમણે કોંગ્રેસનો આંચળો છોડીને ભારતીય જનતા પાર્ટીને ચૂંદડી ઓઢી છે. અમારા વિચાર ઓઢ્યા છે, અમારું નેતૃત્વ ઓઢ્યું છે. આ તો બનતી આવતી પ્રક્રિયા છે. ચૂંટણીના ગણિત,અંકગણિત જૂદા છે. પણ અમારા વિચાર, અમારું કામ, અમારા કાર્યકર્તા, બૂથમાં બેઠેલો કાર્યકર્તા મહેનત કરે છે તે મોટો છે.
સવાલ: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા.. આ બંને એવા ઉમેદવાર છે કે જેના વિરુદ્ધમાં ભાજપે 2017માં પ્રચાર કરેલો. આ બંને ઉમેદવારોએ મન ભરીને ભાજપ, અને ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ માટે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો ...આજે તમે તેમને કેવી રીતે એન્ડોર્સ કરશો જનતા વચ્ચે જઈને?
જવાબ: હંમેશા મોટું ઘર હોય, મોટું કુટુંબ હોય...જે નેતા કે કુંટુંબનો વાહક હોય તેમણે હંમેશા મોટું મન રાખીને કામ કરવાનું હોય છે. સમાજનું ભલુ કરવું જોઈએ. પાર્ટીની અંદર પણ ઘણુ બધુ થયું છે. અમારી જવાબદારીઓમાં છે, સરકારની જવાબદારીઓમાં છે. રાષ્ટ્રમાં પણ થયું છે પરંતુ હવે તેમણે ભાજપના વિચારોને લઈને ચાલવાનું છે. ત્યાં બધુ છૂટુછવાયુ છે અને ભાજપમાં ઓર્ગેનાઈઝ્ડ સિસ્ટમ છે. સારા લોકો સાથે બેસવા ઉઠવાનું હોય તો સારા વિચારો આવે, વાઈબ્રેશન સારા આવે. નકારાત્મક લોકો સાથે વાઈબ્રેશન નકારાત્મક આવે. અમે સારા છીએ, સમાજ સારો છે અને એ લોકો પણ સારા છે.
સવાલ: એટલે કે ભાજપની ચૂંદડી ઓઢી છે (હું તમારા શબ્દ વાપરું છું) એટલે એ હવે પવિત્ર થઈ ગયા એવું?
જવાબ: મેં ક્યારેય એવું કહ્યું નથી. ક્યારેય કોઈને અપવિત્ર નથી કહ્યાં, ક્યારેય કોઈને પાપી નથી કહ્યાં. કોંગ્રેસ પોતાની મનગઢંત વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટી વિચાર, કમળ અને અમારો સેવાનો ભાવ એ મહત્વનો છે. બધા સાથે મળીને કામ કરીએ છીએ. બધા જ કામ કરવાના છે અને બધા જ જનકલ્યાણના કામ કરવાના છે. અને હ્રદય સુધી અને આત્મા સુધ પહોંચીને તેની અંદર રહેલા ભગવાનને રાજી રાખવાના છે. અમારા ભગવાનને રાજી રાખવાના છે. રામને રાજી રાખવાના છે.
સવાલ: ચૂંટણી આવે એટલે રામ આવી જ જાય ,કેમ?
જવાબ: કોંગ્રેસ.. જ્યારે કોઈ મુદ્દો તમારા ચૂંટણી ઢંઢેરામાં હોય, તમે તે કામ કરવા માંગતા હોય અને ન થઈ શક્યું, જેમ કે 370ની કલમ.. અમારા પર કાયમ આરોપ કરતા કે તમે વાતો કરો છો કરતા નથી. અને હવે હટાવી તો તરત કહેવા લાગ્યાં કે તમે તો હટાવી દીધી, આ શું કર્યું અને વિરોધ કરવા લાગ્યાં. કોંગ્રેસના દેખાડવાના અને ખાવાના દાંત હાથીની જેમ જુદા છે. ભગવાન રામનું મંદિર થાય તે અમારું કમિટમેન્ટ છે. તે માટે અમે અમારો પક્ષ રજુ કર્યો છે, સરકારે પક્ષ મૂક્યો છે. કોંગ્રેસે કહ્યું રામ સેતુ નહતો, ભગવાન રામ નહતાં, સીતા નહતાં...કોંગ્રેસ રાવણની માનસિકતા ધરાવે છે. આવતા દિવસોમાં એ કહેશે કે રાવણ હતો પણ રામ નહતાં. સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે અને રામ મંદિર બનશે તો તે કહેશે કે આમ કેમ કર્યું. નહતું થતું ત્યારે કેમ નથી થતું. અરે તમે રોડા નાખ્યા છે. તમે કોર્ટમાં કેસ નથી ચાલવા દીધા.
સવાલ: તમારું એવું કહેવું છે કે કલમ 370, રામજન્મભૂમિના મુદ્દા 6 વિધાનસભાની પેટાચૂંટણીમાં કામ આવશે?
જવાબ: 370ની કલમ પર બે દિવસ સુધી લોકસભા-રાજ્યસભામાં ચર્ચા ચાલી, ક્યારેય એવું બન્યું છે કે દેશની જનતાએ બે દિવસ લોકસભા-રાજ્યસભા જોઈ... પહેલો બનાવ છે. ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય અને ભારત બેટિંગ કરતું હોય અને જે મજા આવે તેવી મજા ભારતની જનતાને સંસદમાં 370 પર ચર્ચા જોઈને થઈ. ઈતિહાસ જાણવા મળ્યો છે. તેને જુદી રીતે પણ જોવો જોઈએ. સામાન્ય જનતાને ભારતને સમજવાનો મોકો મળ્યો. કાશ્મીર તો બહુ દૂર છે પરંતુ દરેકનો એવો ભાવ હતો કે કાશ્મીર અખંડ છે, ખોટુ થયું છે, કોંગ્રેસે ખોટું કર્યુ છે. જવાહરલાલ નહેરુએ ખોટું કર્યુ છે. અત્યાર સુધી કોંગ્રેસે ચલાવ્યું છે જે હવે મા ભારતી માટે સાચુ થઈ રહ્યું છે. કાશ્મીર માટે સાચુ થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
સવાલ: આ 6 બેઠકો માટે સ્થાનિક મુદ્દા ભાજપ માટે મહત્વના નહીં હોય?
જવાબ: અમે ચોક્કસ વાત કરી છે કે ગામડામાં પહેલા લાઈટ, પાણી, ગટર, શિક્ષણ, આરોગ્ય, વ્યવસ્થાઓ હોવી જોઈએ. વર્ષો સુધી કોંગ્રેસે ગામડાને પીવા માટે અશુદ્ધ પાણી આપ્યું, શહેરને પણ એવું પાણી આપ્યું. કોંગ્રેસે પોતાના ઘર ભરવાના, લૂંટવાના કામ કર્યા છે. પ્રજાકલ્યાણના કામો 1995 પછી થઈ. તે દેખાય છે અને તેની અનુભૂતિ અમે કરાવી રહ્યાં છીએ. પહેલા અમદાવાદ આવતા સાડા છ કલાક છતા, કોઈ બસ ચૂકી જઈએ તો વ્યવહાર ચૂકી જતા...આજે ટેમ્પો, રીક્ષા, છકડા મળે છે. એક પ્રકારની રોજગારી ઊભી થઈ છે. એટલે ખર્ચ કરી શકીએ છીએ. આ રાજ્યમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ, 1995 પછીનું નેતૃત્વ, વિજયભાઈ, નીતિનભાઈનું નેતૃત્વ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ..એક જ વાત હું કરું તો નર્મદા બંધ. આટલા વર્ષોથી ઈચ્છાશક્તિવાળુ નેતૃત્વ નહતું તો કેટલું બધુ ગુજરાતે ભોગવ્યું. 138મીની સપાટીએ નર્મદા ખળખળ વહેતી હોય તે ગુજરાતનું ભવિષ્ય છે, ગુજરાતનો વિકાસ છે, ગુજરાતની ઊંચાઈ છે, ગુજરાતની સમૃદ્ધિ છે, ખેડૂતોનું પીવાનું પાણી છે. નરેન્દ્રભાઈએ જે કમિટમેન્ટથી કામ કર્યું તે ગુજરાત ક્યારેય ન ભૂલી શકે.
સવાલ: 6 વિધાનસભાના મતદારોમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના મતદારો છે, જેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે, ગ્રામીણ વિસ્તારો કોંગ્રેસનો ગઢ રહ્યા છે, તો આ વખતે તમે ત્યાંના લોકોને ખેડૂતોને શું કમિટમેન્ટ આપી રહ્યા છો?
જવાબ: રાજ્યમાં ઘણી પેટાચૂંટણીઓ આવી છે, 2017 પછી પણ આવી છે. નાની ચૂંટણીઓ જીત્યા છે, સરપંચો પણ જીત્યા છે. ખેડૂતોને પેન્શન આપવાની વાત, કિસાનો સન્માન નિધિ, કિસાનોને વ્યાજ વગરની લોન આપવાની વાત, જનધન ખાતા સાથે જોડવાની વાત, તેમના ભાવ આપવાની વાત.. ખેડૂતોની શોષાવવાનું જો થયું હોય, ગોળીએ ધરબી દેવાના કામો કોંગ્રેસે કર્યા છે. ખાતર નીમ કોટેડ કરવાથી ખેડૂતોને સરળતાથી પ્રાપ્ત થાય છે. આવા સુધારા ખેડૂતો જુએ છે. ગામડામાં વસ્તીના ધોરણે સીધી ગ્રાન્ટ આપવાનું, આરસીસી રોડ, 24 કલાક વીજળી, ગામડું ધમબતું થયું છે. અમારું કમિટમેન્ટ છે અને હજુ સુધારા કરવાના છીએ.
સવાલ: તમે કહો છો કે ભાજપ એક શિસ્ટબદ્ધ પાર્ટી છે, તો અલ્પેશ ઠાકોરને એ જ બેઠક પરથી લડાવવામાં આવી રહ્યા છે ત્યારે એવો પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે કે જો તમે આમને વોટ આપશો તો તે મંત્રી બનવાના છે તો આ એક પ્લાન પણ હોઈ શકે?
જવાબ: આવા બધા પ્રચારો કોંગ્રેસ દ્વારા થતા હોય છે. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ છોડીને આવે, ધારાસભ્યપદ છોડીને આવે , ભૂતકાળમાં પણ પરંપરા છે કે તે જ સીટ પરથી લડેને..
સવાલ: તમે એવું કહો છો કે મંત્રીપદ આપવામાં આવશે કે નહીં તે તો પછીની વાત છે, જીત પછીની વાત છે
જવાબ: ક્ષમતા કુશળતા હશે તો પાર્ટી ચોક્કસ આપશે તેનો મતલબ એ નથી કે ક્ષમતા નથી. ભૌગોલિક સ્થિતિ, બધા સમીકરણો જોઈને પાર્ટી નક્કી કરે છે.
સવાલ: કુવરભાઈ, જવાહરભાઈ ચાવડા, આશાબેન..બધા એટલે કે ભાજપમાં મંત્રીપદ મેળવવા માટે કે સારું પદ લેવા માટેની પ્રાથમિક ક્વોલિફિકેશન કોંગ્રેસના MLA હોવું જરૂરી છે?
જવાબ: હું વિધાનસભામાં બોલેલો છું કે કોંગ્રેસની પહેલી હરોળમાં બેઠેલા એક-બેને બાદ કરતા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભૂતકાળમાં રહી ગયા છે. આજે પણ છે એમ કહું છું.
સવાલ: આના કારણે સંગઠનમાં એક પ્રકારનો અસંતોષ ઊભો થયો છે? આ પ્રકારની સ્થિતિ પહેલા જોવા નથી મળી. બાયડ અને રાધનપુરની વાત કરીએ તો કાર્યકરો નારાજ છે.
જવાબ: કોંગ્રેસ પ્રેરિત બધી વાતો હોય છે.
સવાલ: મંત્રીમંડળમાં જીતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર હશે કે નહીં?
જવાબ: કાર્યકર્તા તરીકેની ભૂમિકા, આ જવાબદારી..હોમ સ્ટેટમાં આટલી મોટી જવાબદારી મળે, કાર્યકર્તાઓનો પણ ખુબ સપોર્ટ મળ્યો છે, વડીલોએ માર્ગદર્શન આપ્યું છે. અંતે પરિણામ ટીમને મળે છે એટલે હું જ્યાં છું ત્યાં ખુશ છું. અલ્પેશભાઈની વાત કરો છો કોને શું આપવું, ક્યારે આપવું તો તે ભારતીય જનતા પાર્ટી અને નેતૃત્વ નક્કી કરશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય થશે.
સવાલ: આ કોંગ્રેસથી આયાતી ઉમેદવારો અથવા તો કોંગ્રેસના વિધાયકોનું ભાજપાગમન આવનારા સમયમાં ચાલુ રહેશે?
જવાબ: અમે કહ્યું કે આપ જ્યાં છો ત્યાં બરાબર છો, થોડો અનુભવ લો. કારણ કે કોંગ્રેસથી થાકીને આવે છે. કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ નથી, વિચાર નથી. જવાહરલાલ નહેરુથી માંડીને એક જ પરિવાર પાસે શાસન છે. તેમના નેતા નાવમાંથી કૂદકો મારીને જતા રહેતા હોય તો નાવ ડૂબી જ જાય. રાજકારણમાં બધા પોતાનો વિકાસ ઈચ્છતા હોય છે. લોકો સાથે જેમનો નાતો હોય છે. લોકો સાથે એક તાંતણાની જેમ ભાજપ બંધાઈ ગયો છે. કોંગ્રેસ સંપર્કવિહોણી થઈ ગઈ છે.
સવાલ: 24 તારીખે જે વિજયોત્સવ ઉજવવામાં આવશે વિજયભાઈના નેતૃત્વમાં, જીતુભાઈના નેતૃત્વમા... તેમાં કેટલી બેઠકો? 104 કે 106?
જવાબ: મોરવાહરફની પણ પેટાચૂંટણી આવવાની છે...106 અમે થવાના, 107 પણ થવાના
સવાલ: તો તમારો દાવો છે કે 106 તમે 24 તારીખે થઈ જશો.
જવાબ: આમા અમારો કોઈ અધિકારિકતાનો કે અહંકારનો ભાવ નથી. પણ સાતત્યપૂર્વક જનતાની સેવા કરીએ છીએ ત્યારે જનતા પ્રેમ આપે છે.