નવસારી :દિવાળીના સમયે રૂપિયાની તંગી દૂર કરવા માટે સુરતના કથિત પત્રકારો નકલી એસીબી અધિકારી બનીને વન વિભાગના અધિકારીને લૂંટવાનો કારસો બનાવ્યો હતો. પણ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યાં બાદ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં નવસારી LCB એ મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી, તપાસને વેગ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર ખાતે કાર્યરત વન સેવાના અધિકારી ઉમેશ્વર દયાળ સિંગ રાજ્યના વનોની વ્યવસ્થા, તેમના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી કરે છે. ગત 11 સપ્ટેમ્બરથી ઉમેશ્વર સિંગ પોતાના સ્ટાફ સાથે દક્ષિણ ગુજરાતના વનોના નિરીક્ષણ માટે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના પ્રવાસે હતા. દરમિયાન ગત 18 ઓક્ટોબરના રોજ ઉમેશ્વર પોતાની કારમાં રાનકુવાથી ગણદેવા થઈ હાઇવે પર આવી રહ્યા હતા. ત્યારે ટાંકલ ગામથી અંદાજે 6 કિમી દૂર નહેર ફળિયા પાસે અજાણ્યા 6 થી 7 લોકો તેમની કારને ઘેરી વળ્યાં હતા. અજાણ્યા લોકોએ પોતે ACB ના અધિકારી-કર્મચારી હોવાની ઓળખ આપી ઉમેશ્વર સિંગની કારની તપાસ કરી હતી, પરંતુ કારમાંથી કંઈ મળે એ પહેલા ઉમેશ્વરે તેમની પાસેથી તેમના ID કાર્ડ માંગતા નકલી ACB અધિકારી બની આવેલા ઠગ ભગતોએ ‘કામમાં રૂકાવટ કરશે તો જાણથી મારી નાંખીશું’ એવી ધમકી આપી હતી. 


આ પણ વાંચો : સિવિલ કોડ પર કેજરીવાલ બોલ્યા, ચૂંટણીથી ડર્યું ભાજપ, નિયત હોય તો આખા દેશમાં લાગુ કરો


જ્યારે ઠગ ભગતો સાથે એક મહિલા પત્રકાર પણ હતી, જેણે કારની ફોટોગ્રાફી પણ કરી રહી હતી. બાદમાં ઉમેશ્વરની કારમાંથી કંઈ મળ્યુ ન હતુ. ત્યારે નકલી ACB એ તેમનું નિવેદન નોંધવાનું હોય, આગળ બોરીયાચ ટોલનાકા પાસે ઉભા રહેવાનું જણાવ્યુ હતું અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર મુદ્દે ઠગાયાનું જાણતા ઉમેશ્વર સિંગે ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ નવસારી LCB પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. 



તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં નકલી ACB અધિકારી-કર્મચારીઓને દબોચી લીધા હતા. જેમાં નવસારીની એક મહિલા સહિત 5 ઠગ ભગતોની ધરપકડ કરી હતી. તપાસ કરતા આરોપીઓ પાસેથી સુરતની G-9 અને અભિનવ સુરતના કથિત પત્રકારો હોવાના ID કાર્ડ મળ્યા હતા. જેથી પોલીસે એની ખરાઈ કરવાના પ્રયાસો આરંભ્યા છે. સાથે જ આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.