• હાલોલના શિવરાજપુરમાંથી ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો

  • ત્રણ દિવસ અગાઉ પણ કાલોલના એરાલથી પણ બે બોગસ તબીબો ઝડપાયા હતા


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતના આ છેવાડાના જિલ્લામાંથી સતત ઝોલાછાપ ડોક્ટરો મળી રહ્યાં છે. બે દિવસ પહેલા એસઓજી ટીમે કાલોલના એરાલમાંથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એકવાર આ વિસ્તારમાંથી લેભાગુ તબીબ પકડાયો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને છેતરીને તેમની સારવાર કરતા હતા. હાલોલના શિવરાજપૂર માંથી ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલમાંથી બોગસ તબીબો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. એસઓજીની ટીમે વધુ એક બોગસ તબીબ ઝડપી પાડ્યો છે. હાલોલના શિવરાજપુરમાંથી ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો છે. તેની પાસેથી રૂપિયા 2.26 લાખના એલોપેથી દવા અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ બોગસ તબીબ વિરુદ્ધ પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 


આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું


પિતા ડોક્ટર હતા, તેથી બોગસ તબીબ બન્યો
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ગિરીશ પટેલના પિતા તબીબ હતા. પરંતુ તેની પાસે તબીબ હોવાની કોઈ ડિગ્રી ન હતી. કોઈપણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર જ તે ગેરકાયદેસર રીતે ક્લિનીક ચલાવતો હતો. એસઓજીએ સ્થાનિક પીએચસીના મેડિકલ ઓફિસરને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. 


ત્રણ દિવસ અગાઉ પણ કાલોલના એરાલથી પણ બે બોગસ તબીબો ઝડપાયા હતા. એ બંને તબીબો પશ્ચિમ બંગાળના હતા. સતત વધી રહેલા આ કિસ્સાઓ પરથી સમજી શકાય છે કે, બોગસ તબીબો ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં પોતાની હાટડીઓ ખોલીને બેસી જાય છે. જેમાં ગ્રામ્ય લોકો ફસાય છે.