દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું
  • મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, 350નું ઇન્જેક્શન 7850 સુધી વેચતા 14 શખ્સોની અટકાયત
  • હાર્દિક પટેલે માત્ર સુરત જ નહિ અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાનાં કપરા કાળમાં લોકોને લૂંટવાનો ગોરખધંધો કર્યો હોવાની કબૂલાત કરી

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ પોલીસે મ્યુકરમાઇકોસિસ (mucormycosis) નાં ઇન્જેક્શનનાં રાજ્ય વ્યાપી કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે. 345 રૂપીયામાં વેચાતું એમ્ફોટેરીસીન-બી (amphotericin injection) નામનાં ઇન્જેક્શનનાં 6 હજારથી 7850 સુધીની ઉંચી રકમ વસુલ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતનાં મુખ્ય માસ્ટર માઇન્ડ સહિત 14 શખ્સો પાસેથી પોલીસે 101 ઇન્જેક્શન કબજે કરી તપાસ શરૂ કરી છે.

કેવી રીતે પોલીસે પાર પાડ્યું ઓપરેશન?

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ મહામરીનો કહેર જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઇકોસિસનાં ઇન્જેક્શનની અછત (injection shortage) સર્જાતા કાળાબજારી થતી હોવાની ફરીયાદો ઉઠી હતી. જેને લઇને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપને કાળા બજારી રોકવા માટે સૂચન કર્યું હતું. જેમાં રાજકોટ એસ.ઓ.જીની ટીમને માહિતી મળી હતી કે, શહેરનાં રૈયા રોડ પર આવેલ સેલસ હોસ્પિટલ પાસે મેહુલ ગોરધન કટેસીયા એક્ટિવામાં એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન વેચી રહ્યો છે. પોલીસ ડમી ગ્રાહક મોકલીને ખરાઇ કરવામાં આવી હતી. જેમાં આરોપી મેહુલ કટેસીયાએ રૂપીયા 345નું ઇન્જેક્શન 6500 રૂપીયામાં વેચ્યું હતું. જેથી પોલીસે આરોપી મેહુલ કટેસીયાની ધરપકડ કરી તેની પાસેથી બે ઇન્જેક્શન કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આ કાળાબજારીનું રેકેટ રાજ્ય વ્યાપી હોવાનું સામે આવતા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેથી સુરતનાં હાર્દિક પટેલ નામનાં શખ્સ કાળાબજારીનું રેક્ટ ચલાવતો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. સાથે જ સૌથી વધુ જથ્થો અમદાવાદમાં મોકલવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં બે મેડિકલ ઓફિસર સહિત 14 શખ્સોની પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

કોણ છે આરોપી અને કેવી રીતે ચાલતું કાળા બજારીનું રેકેટ?

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ રાજ્યવ્યાપી કૌંભાડનો મુખ્ય સુત્રધાર તરીકે સુરતનો હાર્દિક મુકેશભાઇ વડાલીયા (પટેલ) નામનો શખ્સ છે. જે તમામ લોકોને ઇન્જેક્શન સપ્લાય કરતો હતો. પોલીસે મેહુલ કટેશીયા, રાયસિંગ ઉર્ફે ગોપાલ વંશ, અશોક કાગડીયા, નિકુંજ જગદીશ ઠાકર, વત્સલ બારડ, યશ દિલીપકુમાર ચાવડા, ઉત્સવ નિમાવત, રૂદય જાગાણી, હિરેન રામાણી, હાર્દીક વડાલીયા, શુભમ તિવારી, વિશ્વાસ રાયસિંગ પાવરા અને અભિષેક શાહ નામના શખ્સોની ધરપકડ કરી છે. આ રેકેટ અંકલેશ્વરની લાયકા લેબ કંપનીમાંથી ઇન્જેક્શન ચોરી કરીને ચાલતું હતું. પોલીસનાં કહેવા પ્રમાણે, વિશ્વાસ પાવરા પ્રોડક્શન યુનિટમાં કામ કરતો હતો. ત્યાંથી તે ઇન્જેક્શનની ચોરી કરી એક હજાર રૂપિયામાં તેની જ કંપનીમાં કામ કરતા શુભમ તિવારી અને અભિષેક તુરહાને આપતો હતો અને આ બંન્ને શખ્સો 4500 રૂપીયામાં ઇન્જેક્શન હાર્દિક પટેલને આપતા હતા. જે હાર્દિક 6 હજારથી લઇને 7580 રૂપીયા સુધી અલગ-અલગ લોકોને વેચતો હતો. આ કૌંભાડનો પર્દાફાશ હાર્દિકે જેતપુરની મેડિકલ એજન્સીને આ ઇન્જેક્શન વેચતા થયો હતો.

કબ્જે કરાયેલા ઇન્જેક્શન જિલ્લા કલેક્ટરને સોંપાશે - પોલીસ કમિશ્નર

પોલીસનાં કહેવા પ્રમાણે આ કૌંભાડનાં તાર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રનાં અલગ-અલગ જિલ્લાઓમાં જોડાયેલા છે. મુખ્ય સુત્રધાર હાર્દિક પટેલે માત્ર સુરત જ નહિ અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાનાં કપરા કાળમાં લોકોને લૂંટવાનો ગોરખધંધો કર્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસ આરોપીઓનાં રિમાન્ડ લઇને આ શખ્સોએ અત્યાર સુધીમાં કેટલા લોકોને લૂંટ્યા છે અને કેટલા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે તેના પર તપાસ કેન્દ્રિત કરી રહી છે. જોકે મહત્વનું છે કે, મ્યુકરમાઇકોસિસનાં આ ઇન્જેક્શનનું ઉત્પાદન કરતી કંપનીમાં કોઇ ખલેલ ન પહોંચે તે માટે હાલ કંપનીમાં કોઇ તપાસ કરવામાં નહિ આવે અને જપ્ત કરેલા ઇન્જેક્શનો જિલ્લા કલેક્ટરને સોંપીને જરૂરીયાતમંદ દર્દીઓને આ ઇન્જેક્શન મળી રહે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

Trending news