નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે. ભીમ અગિયારસ બાદ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સારા અને વાવણી લાયક વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. આ વર્ષે ગત ચોમાસા કરતા મોડો વરસાદ છે પરંતુ "જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો" એ કહેવત મુજબ સારા વરસાદની આશા વ્યક્ત કરી ખેડૂતો બળદ ગાડા સાથે ખેતરોમાં પહોંચ્યા હતા અને પોતાના વાડી, ખેતરોમાં મગફળી, બાજરી, કપાસ સહિતના બિયારણોનું વાવેતર કરી વાવણી કાર્યમાં જોડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં જયારે ચોમાસાની ઋતુ સક્રિય બની છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજથી મોટાભાગના ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા છે. જેમાં ખેડૂતો પોતાના બળદગાડા સાથે ખેતરે પહોચ્યા હતા અને બળદને તિલક પૂજન કરાવીને સાતી સાથે જોડી વાવણી કાર્યનો પ્રારંભ કર્યો હતો. ખેડૂતો દ્વારા મગફળી, બાજરી અને કપાસ સહિતના બિયારણોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો કહેવતને અનુસરી રહ્યા છે. 


આ પણ વાંચોઃ ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ, ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર


જયારે પ્રારંભમાં જ વાવણી લાયક સારો વરસાદ પડ્યો છે ત્યારે પુરા ચોમાસા દરમ્યાન સમાયંતરે સારા અને સમયસર વરસાદ સાથે મબલક પાકની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. તેમજ ગત વર્ષે જે પ્રમાણે કપાસના સારા ભાવો મળ્યા હતા ત્યારે આ વર્ષે પણ સારા ભાવો જળવાય રહેશે તેવી આશા સાથે મોટા પ્રમાણમાં કપાસનું વાવતેર પણ કરી રહ્યા છે. જયારે અનેક ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. શાકભાજીનો પાક રોકડીયો પાક હોવાથી ખેડૂતોને આર્થિક રાહત મળી રહેશે.


ભાવનગર શહેર અને જીલ્લામાં ચોમાસા દરમ્યાન અંદાજીત સાડાચાર લાખ હેક્ટરમાં વિવિધ ચોમાસું પાકનું વાવતેર કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૧૮ હજાર હેકટરમાં ખેડૂતોએ વાડી કે ખેતરમાં પાણીના તળ સારા હોવાથી આગતર વાવતેર કરી નાખ્યું છે જયારે આજે અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરોમાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતરમાં જોડાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube