ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે સધ્ધર થઇ રહ્યા છે રાજ્યમાં ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ ૨૨ ટકા વધારે બેંક ધિરાણ મેળવ્યું હોવાનું ગુજરાત રાજ્ય સ્ટેટ બેન્કર્સ કમિટીના અહેવાલમાં સામે આવ્યું સામાન્ય રીતી લોનનું પ્રમાણ વધેતો ખેડૂત દેવાદાર કહેવાય પણ નિષ્ણાતો ખેડૂત લોનને ગુજરાતમાં હકારાત્મક બાબત માની રહ્યા છે.
  
ગુજરાતમાં ગત વર્ષે પડેલા સારા વરસાદ અને સારા વરસાદને કારણે થયેલા સારા પાકે ખેડૂતોની જોળી ભરી નાખી. જેની અસર બેંક સેક્ટરમાં જોવા મળી ખેતી માટે અનુકુળ વરસાદના પગલે 2020-21માં વિક્રમ જનક વાવેતર થયુ હતું. સાથે જ કૃષિ લોન વિતરણમાં 22%નો વધારો થયો છે. ગુજરાત રાજ્ય સ્ટેટ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલ મુજબ, 2020-21માં કૃષિ લોનનું વિતરણ વધીને ૮૪,૭૮૮ કરોડ થયું છે.. જે ગત વર્ષે ૬૯,૩૨૫ કરોડ રૂપિયા હતુ. એટલે કે ખેડૂતોએ મેળવેલ બેંક ધિરાણમાં ગત વર્ષની તુલનાએ ૨૨% ટકાથી પણ વધુનો વધારો આવ્યો છે. ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટિના હેડ અને બેંક ઓફ બરોડના ગુજરાતના જનરલ મેનેજર મહેશ બંસલના કહેવા પ્રમાણે ખેડૂતોના ધિરાણમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ વધારે વિક્રમજનક વાવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવણી વધારવા માટે, ખેડુતો બિયારણ, ખાતરો અને ખેત ઉપકરણોની ખરીદી માટે ફાર્મ ક્રેડીટના રૂપમાં વધારે લોન લે છે. પરિણામે કૃષિ-લોન વિતરણમાં નોંધપાત્ર વધારો થયો. આ સિવાય રાજ્યમાં થ્રી ટાયર રહેલુ સહકારી બેંકોનું માળખુ, કૃષિ લોન પર  સરકાર તરફથી વ્યાજમાં મળતી સબસીડી, બેંકોએ લોન ઓફર કરતાં ખેડૂતો શાહુકારના બદબે બેંક તરફ વળ્યા, અને આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે થતી ખેતી જેવા કારણો પણ જવાબદાર છે. 


વઘુમાં તેમણે કહ્યુ કે, ચાલુ વર્ષે ખેડૂતોને ખેતી માટે આપવામાં આવતી લોનમાં તો વધારો થયો છે. સાથેજ કૃષિ સાથે ફુડ પ્રોસેસીંગ યુનિટ તથા અન્ય કૃષિ સલગ્ન વ્યવસાય માટે આપવામાં આવતા ધિરાણમાં પણ વધારો થયો છે. જો તેના પર નજર કરવામાં આવે તો 


લોનનો પ્રકાર         ૨૦૧૯-૨૦         ૨૦૨૦-૨૧     વધારો(ટકામાં)
એગ્રીકલ્ચર લોન         ૬૯,૩૨૫     ૮૪,૭૮૮     ૨૨.૩૧ 
ફાર્મ ક્રેડીટ                 ૫૫,૩૯૯     ૬૭,૬૫૦     ૨૨.૧૧
અન્ય ખેતધિરાણ         ૧૩,૯૨૬     ૧૭,૧૩૮     ૨૩.૦૬
  
ખેડૂત આગેવાન અને ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીના કહેવા પ્રમાણે માળખાકીય સુવિધા વધતાં અને  ખેતી માટે અનુકુળ ચોમાસાથી ધિરાણનું પ્રમાણ વઘ્યુ છે. જો કે વધુ ધિરાણથી વધુ એનપીએ પણ વધતુ  હોય છે. છેલ્લા ૩ વર્ષથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ૬ થી ૭ ટકા જેટલું એનપીએ રહે છે. ખેડૂતોને ખેતપેદાસના યોગ્ય ભાવ નાં મળતા થતી હોવાથી એનપીએ વઘી રહયુ છે. 


ગુજરાત કૃષિ વિભાગના આંકડા પર નજર કરીએ તો ખરીફ વાવણી 2020 માં રાજ્યમાં 87.૨4 લાખ હેક્ટરમાં થઈ હતી. જે આ વર્ષ 84.9 લાખ હેક્ટરની 10 વર્ષની સરેરાશની તુલનામાં 2.7% જેટલી વધારે છે. જયારે રવી વાવણીમાં 2020-21માં 34.2% નો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ આંકડાઓએ પણ સામે આવી રહ્યા છે કે 2020-21માં ટ્રેક્ટરનું વેચાણ 47,067 યુનિટ થયું છે, જે અગાઉના આંકડાઓ કરતા ૧૮ ટકા જેટલું વધારે  છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube