જામનગર, દાંતીવાડા: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે લાલપુરમાં ખેડૂત હિતરક્ષક સમિતિ ના નેજા હેઠળ ખેડૂતોની સહી ઝુંબેશ સાથે ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રાજયમાં ઘણા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ક્યાંક ને કયાંક સરકાર દ્વારા ભેદભાવ ભરી નીતિ અપનાવવાનો આક્ષેપ ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો કરી રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને જામનગરમાં ધ્રોલ અને જોડિયા અને અછતગ્રસત જાહેર કર્યા છે ત્યારે બાકીના તાલુકાઓ પણ અછતગ્રસ્ત ની સરકારે નક્કી કરેલ ગાઇડલાઇન આવતા હોવા છતાં અછતગ્રસત જાહેર ન કરાતા હવે ખેડૂત હિતરક્ષક સમિતિએ જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આંદોલનના મંડાણ કર્યા છે. જ્યારે આ આંદોલનના ભાગરૂપે આજે લાલપુર તાલુકામાં પણ ખેડૂતોની એક વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું .


લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ સાથે આજે ખેડૂતો હિતરક્ષક સમિતિના પાલભાઇ આંબલીયા અને હેમત ખવાની આગેવાની હેઠળ સૌપ્રથમ લાલપુર તાલુકા પંચાયત ખાતે આવેલા ચોકમાં ખેડૂતોની મહાસભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ સહી ઝુંબેશ પૂર્ણ કર્યા બાદ સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધીની મહારેલી ખેડૂતોએ યોજી હતી. જ્યારે મામલતદાર કચેરીએ પહોંચીને ડેપ્યુટી કલેકટરને લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવામાં આવ્યુ હતું. 


જોકે ખેડૂત હિતરક્ષક સમિતિના આક્ષેપ મુજબ લાલપુર તાલુકાના પીએચસી સેન્ટરોમાં સરકાર ની ગાઇડલાઇન મુજબ ૨૫૦ મિમિ. થી ઓછા આંકડા નોંધાયા હોવા છતાં લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં સરકારે અન્યાય કરી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.


જ્યારે લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂત હિત રક્ષક સમિતિની માંગનો ખુલાસો આપતાં લાલપુરના ડે. કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારના નીતિ નિયમ મુજબ લાલપુર તાલુકામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અને ખેડૂતોની માંગને સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જે મુજબ નીતિનિયમ જાહેર કરે તે પ્રમાણે આગળની કામગિરી હાથ ધરાશે.


તો બીજી તરફ બનાસકાંઠામાં નહિવત વરસાદ થતાં સરકાર દ્વારા જિલ્લાના 9 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા છે પરંતુ દાંતીવાડા તાલુકાને બાકાત રખાતા ખેડૂતોની હાલત કફોડી બની છે જેને લઈને આવતીકાલે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધરણા યોજીને દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.