બુલેટ ટ્રેનના વિરોધમાં ખેડૂત સમાજ ગુજરાતે માંડ્યો મોરચો, સંપર્ક યાત્રા કરી શરૂ
ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખના જણાવ્યાં પ્રમાણે આ પ્રોજેક્ટથી ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસીત પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતો પાયામાંથી વિરોધ કરી રહ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ ખેડૂત સમાજ ગુજરાત દ્વારા કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે મોરચો માંડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં રાજ્યના 192 ગામના 2500 પરિવારની 700 હેક્ટર જમીન સંપાદીત થનાર છે જેની સામે ખેડૂત સમાજે સંપર્ક યાત્રા શરૂ કરી છે. જે થકી ખેડૂતોના મંતવ્ય જાણી તેનું રેફરન્ડમ તૈયાર કરી જાપાનના પ્રધાનમંત્રીને મોકલવામાં આવશે આ પ્રોજેક્ટનો 378 કિલોમીટર વિસ્તાર ગુજરાતમાં છે અને 700 હેક્ટર ફળદ્રુપ જમીન સંપાદીત થઇ રહી છે જને ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખના જણાવ્યાં પ્રમાણે આ પ્રોજેક્ટથી ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસીત પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતો પાયામાંથી વિરોધ કરી રહ્યા છે. બુલેટ ટ્રેનની પાછળ સરકાર શા માટે પ્રજાની ટેક્સના એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચે છે. જ્યારે દેશના ઇજનેરોએ 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટ્રેન ચાલી શકે એવું તેજશ એન્જીન વિકસાવ્યુ છે. તથા જ્યારે દેશના ઇજનેરોએ એવો રીપોર્ટ આપ્યો હોય કે માત્ર 25 કરોડના ખર્ચે હયાત રેલવે ટ્રેકને અપગ્રેડ કરવાથી દેશની રેલવે 250 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલી શકતી હોય તો બુલેટ ટ્રેન પાછળ આટલો ખર્ચ કેમ વધુમાં તેમણે ઉમેર્યુ કે ગુજરાતના ખેડુતની હજારો હેક્ટર ફળદ્રુપ જમીન એક્સપ્રેસ હાઇવે ઇન્ડ્રસ્ટ્રીયલ કોરીડોર સર અને અન્ય હેતુ માટે સંપાદીત થઇ છે આ પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદીત થશે. તેનાથી અનાજ ઉત્પાદન અસર થશે પર્યાવરણ અને અન્ય પાસા પર થનારી અસરને ધ્યાને લેવાઇ નથી.
યાત્રામાં જોડાનાર કાંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ધારાશાસ્ત્રી અમીબેન યાજ્ઞીકે કહ્યું કે, બુલેટ ટ્રેન માટે નવી જમીન સંપાદીત કરવાની જરૂર નથી. રેલવે ટ્રેકની બાજુમાં બુલેટ ટ્રેન આરામથી પસાર થઇ શકે છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે વર્ષ 2019ની ચૂંટણીમાં સરકારની નિષ્ફળતાઓને ઢાંકવા માટે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને સરકાર આગળ કરી રહી છે. ખેડૂત સમાજ ગુજરાના વકિલ આનંદ યાજ્ઞીકે કહ્યું કે. ખેડૂતોની પરવાનગી વિના તેમની પાસેથી જમીન લેવાઇ રહી છે તેમને માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ મળતા નથી અને આ પ્રોજેક્ટમાં ક્યાં પુન વસનની જોગવાઇ નથી જો ખેડૂતોને ન્યાય મળતો હોયતો બુલેટ ટ્રેન ભલે દોડે.
આ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાની આપવિતિ વ્યક્ત કરતાં કહ્યુ કે, ચાર ગણુ વળતર આપવામાં આવે તો પણ તે પોતાની જમીન આપવા તૈયાર નથી કેમકે જમીન તેમની આજીવીકાનું સાધન છે.
ખેડૂત સમાજની સંપર્ક યાત્રાના પગલે સરકાર સફાળી જાગી અને કલેક્ટર મારફતે ખેડૂતોને સમજાવાનો પ્રયાસ કર્યો છે. જો કે ખેડૂત સમાજે પણ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ પોતાની જમીન મુદ્દે આક્રમકતાથી આંદોલન કરશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનની હાજરીમાં બુલેટટ્રેનનું ભૂમિ પૂજન કર્યુ હતું. જોકે ખેડૂત આંદોલનના પગલે હાલ આ પ્રોજેક્ટમાં થોડી અડચણ ઉભી થઇ છે પ્રોજેક્ટન લઇને હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી છે હવે આ પ્રોજેક્ટ ક્યારે કાગળ પરથી જમીન પર ઉતરે છે તેના પર સૌની નજર છે.