પંચમહાલના અરાદ ગામના ખેડૂતોએ કર્યો કમાલ, ગલગોટાની ખેતી કરી કરે છે લાખોની કમાણી
આજકાલ ખેતીમાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે. એક સમયે જે વસ્તુની કલ્પના નહોતી થતી તે વસ્તુઓ હવે ખેડૂતો ઉગાડી રહ્યાં છે. તેવામાં પંચમહાલ જિલ્લાના અરાદ ગામના ખેડૂઓે ગલગોટાના ફુલની ખેતી કરી ક્રાંતિ સર્જી છે.
જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં પૂજા અને સુશોભન માટે વારપવામાં આવતા ગલગોટા એટલે કે મેરિગોલ્ડના ફૂલોની ખેતી થકી પંચમહાલનું અરાદ ગામ ભારે ચર્ચા માં છે. દિવાળીના તહેવાર આ ગામના ખેડૂતો માટે નવી આશાઓ લઈ ને આવે છે. પરંપરાગત ખેતી છોડી અરાદ ગામના મોટાભાગના ખેડૂતો હવે ગલગોટાની ખેતી તરફ વળતા સમગ્ર ગુજરાત સહિત પાડોશી રાજ્યોના ફૂલના વેપારીઓ હવે સીધા જ અરાદ ગામના ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે.
ગુલાબના ફુલ પછી જો કોઈ સૌથી વધારે વપરાશમા લેવાતું ફુલ હોય તો તે ગલગોટાનું ફુલ છે અને પીળા, કેસરી,લાલ જેવા કલર ના અલગ અલગ પ્રકારના ગલગોટાના ફુલ આંખને ઠંડક આપતા હોય તેવા દેખાય છે. આ ફુલ મોટે ભાગે ધાર્મિક અને શુભ પ્રસંગો, મંદિરો અને ધાર્મિક સ્થાનો તેમજ મકાનોને શણગારવા માટે ઉપયોગ થાય છે. તો સાથે સાથે તેના હાર બનાવી ભગવાનની મૂર્તિઓ પર પણ ચડાવવામાં આવે છે. વધુમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈનું સન્માન કરવું હોય આ બધામાં ગલગોટા ના ફૂલોનો જ ઉપયોગ સવિશેષ થાય છે. વળી પાછું દિવાળી પહેલા જ પુરી થયેલ નવરાત્રીમાં આ ગલગોટાના ગીતે તો ધૂમ મચાવી હતી. ત્યારે આ ગલગોટાની ખેતી કરીને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું અરાદ ગામ છેલ્લા ઘણા વર્ષોથી ભારે પ્રસિદ્ધિ પામ્યું છે. પરંપરાગત ખેતી છોડી અહીંના ખેડૂતો હવે ગલગોટા ની રોકડીયા ખેતી તરફ વળતા ગામ ના મોટાભાગ ના ખેડૂતો લખપતિ બન્યા છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અરાદ ગામની આસપાસના ખેતરોમાં નજર કરો તો અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. અહીંની અંદાજીત 700 વિધા જમીન જાણે દિવાળીમાં પીળી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કારણ કે અહીં ખેડૂતો માત્ર ગલગોટાના ફુલની બગાયતી ખેતી કરે છે. પરંપરાગત ખેતીમાંથી અલગ કંઈક કરવાની અહીંના કેટલાક ખેડૂતોએ આજથી આઠ વર્ષ પહેલા શરૂઆત કરી અને એકાદ બે ખેતરમાં ગલગોટાની ખેતી કરી અને માત્ર ત્રણ જ મહિનામાં મબલખ કહી શકાય એવો ગલગોટાના ફુલ ખિલાવી દીધા અને નજીકનાં શહેરોમાં વેચી રોકડા પણ સારા એવા કમાયા હતા. આ અનુભવથી આસપાસના ખેડૂતોએ પ્રેરણા લઇ પોતાના ખેતરમાં પણ પ્રયોગ કર્યો જેમા બાગાયતના વૈજ્ઞાનિકની પણ સલાહ લીધી અને આજે જ્યાં નજર કરો ત્યા ગલગોટાના ફુલ ખીલી જતા સમગ્ર વિસ્તાર ફુલોથી આંચ્છાદિત દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહ
અંગ્રેજીમાં મેરી ગોલ્ડ અને હિન્દીમાં ગેંદા ફુલ તરીકે ઓળખાતા ગલગોટાના ફુલનો આ વિસ્તારમાં મબલખ પાક ઉતરતા હવે અહીંના ગલગોટાના ફુલ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ભાવનગર, બોટાદ, વડોદરા, નડિયાદ જેવા શહેરોમાં વેચાઈ રહ્યાં છે.
મોટે ભાગે તહેવારોની સીઝન શ્રાવણ માસથી દિવાળી અને લાભ પાંચમની વચ્ચેની હોય છે. આ ગલગોટાનાં ફુલ પણ તહેવારોની સીઝન પહેલાના 60 દિવસ પહેલા વાવેતર કરવું પડતું હોય છે. જેથી તહેવારો શરૂ થતા જ ગલગોટાના ફુલ ખીલવાની શરૂઆત થઇ જતી હોય છે. જેમા શ્રાવણ માસ, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દશેરા અને હિંદુઓનો મોટા તહેવાર કહેવાતા દિવાળીના તહેવાર દરમિયાન સૌથી વધુ પાક ઉતરતો હોય છે. આ સમય દરમિયાન તેની માંગ વધુ રહે છે.
સામાન્ય ધાન્ય પાકોની ખેતી જેવી કે મકાઈ, બાજરી, ઘઉં કે ડાંગર એ હવે ખેડૂતો માટે ખર્ચાળ તો બની છે પણ વરસાદ અને અન્ય અનિશ્ચિતતાઓને કારણે ખેડૂત ને આર્થિક વળતર જોઈએ એવુ મળતું નહોતું. પરંતુ હવે તો ગલગોટાની ટૂંકા અને મર્યાદિત સમયની ખેતી ને લઇ અહીંના ખેડૂતોની આર્થિક આવક વધી ગઈ છે અને દિવાળી પણ જાણે સુધરી ગઈ એમ કહી શકાય છે. અને ત્રણ માસની ખેતી બાદ અન્ય રેગ્યુલર ખેતી પણ અહીંના ખેડૂતો કરી રહ્યા છે. આમ પ્રસંગોને રંગીન કરનાર આ ગલગોટાના ફુલોએ દીવાળીની દરેક ને ઉજવણી કરાવી એટલું જ નહીં ખેડૂતોની પણ દિવાળી સુધારી એવી ચોક્કસ કહી શકાય છે.