ચેતન પટેલ/નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનો શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે 3500 ખેડૂતોની જમીન જઇ રહી છે. ત્યારે આજે ફરીથી નવસારીમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.


નવસારીના ખેડૂત સમાજ દ્વારા કાઢવામાં આવેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. સ્વપ્ન લોક સોસાયટીથી ખેડૂત સમાજે રેલી કાઢી હતી. રેલીમાં 800થી વધુ ખેડૂતો જોડાયા હતા. ખેડૂત દ્વારા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી કલેક્ટર સુધી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ‘જાન દેંગે પણ જમીન નહિ દેંગે’ના સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય આપવા રજુઆત કરી હતી. જો તેઓની આ માંગણી નહિ સંતોષાય, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.