ગાંધીનગરઃ હવે ચોમાસાની શરૂઆત થવાની છે. એટલે કે ખેડૂતો માટે રવિ પાકની સીઝન શરૂ થવાની છે. ખેડૂતોની કમાણી માટે રવિ પાક ખુબ મહત્વનો હોય છે. રવિ પાકની ખરીદી ટેકાના ભાવે થઈ શકે તે માટે ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. રાજ્ય કૃષિ ભાવપંચની મળેલી બેઠકમાં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની ભલામણ કરવાનો નિર્ણય લેવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા નવતર પહેલો કરી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક ઉન્નતી તરફ આગળ વધે તેવા નેક હેતુસર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને પાકોની ખરીદી કરવામાં આવે છે. 


દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ યોગ્ય પાકોનું વાવેતર કરી શકે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.


આ પણ વાંચોઃ મોદીના ‘કેન્દ્ર’માં ગુજરાતની સરકાર, 72માંથી 6 એટલે કે દર 12મો મંત્રી ગુજરાતથી


ગુજરાતના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે રૂ. ૪૦૫૦ પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ. ૭૦૫૦ પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે રૂ. ૭૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવની ભારત સરકારને ભલામણ કરવામાં આવશે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.


રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઘઉં, ચણા, રાયડો  અને શેરડી પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને મોકલી આપવામાં આવશે.