સંસાર છોડી સાધુ થઇ ગયેલા પુત્ર પાસે ભરણ પોષણ મેળવવા માટે પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા
સંસાર છોડી સાધુ થઇ ગયેલા પુત્ર પાસે ભરણ પોષણ મેળવવા માટે પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા લીલા ભાઇ ગૌરનો પુત્ર ધર્મેશ ગૌર સંસાર છોડી સાધુ બની ગયો છે.
ગોરવ પટેલ/અમદાવાદ : અમદાવાદમાં એક રોમાંચક કિસ્સો સામે આવ્યો છે. સંસાર છોડી સાધુ થઇ ગયેલા પુત્ર પાસે ભરણ પોષણ મેળવવા માટે પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા લીલા ભાઇ ગૌરનો પુત્ર ધર્મેશ ગૌર સંસાર છોડી સાધુ બની ગયો છે. માધ્યમોમાં અહેવાલ પ્રકાશિત થતાં તે ઘરે પરત ફર્યો હતો. જોકે ફરી એકવાર તે વૈરાગ્યના માર્ગે ચાલ્યો જતાં તેના પિતાએ કોર્ટમાં દર મહિને 50 હજાર રૂપિયા ભરણ પોષણનો દાવો કર્યો છે
લીલાભાઈ ગૌર વયોવૃદ્ધ છે, અને લકવાગ્રસ્ત છે. જ્યારે તેની માતા કાખઘોડીથી ચાલે છે. ત્યારે માતાપિતા બંનેનું કહેવું છે કે, તેમનો એક પુત્ર માનસિક રીતે અસ્થિર છે. જ્યારે કે મોટો પુત્ર ભણવામા હોશિયાર હોવાથી માતાપિતાએ તેને ઉચ્ચ એજ્યુકેશન અપાવ્યું હતું. તેને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાંતી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરાવ્યો હતો. સારો અભ્યાસ મેળવ્યા બાદ પુત્રને 50 હજાર રૂપિયાનો નોકરીની ઓફર મળી હતી. પરંતુ બાદમાં તે ઈસ્કોન મંદિરના સાધુઓના સંપર્કમાં આવ્યો હતો. તેથી તેને નોકરી અને સંસાર છોડીને સાધુજીવન અપનાવ્યું હતું.
હાલ છેલ્લાં ત્રણ વર્ષથી તે સાધુ બની ગયો છે. તેથી તેના માતાપિતાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો છે. પિતા લીલાભાઈ ગૌરએ કોર્ટમાં કહ્યું કે, તેમણે પુત્રના ભણતર માટે 30 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. તેથી તે હવે દીકરા તરીકેની ફરજ અદા કરે. તેની ભક્તિ સામે અમને કોઈ વાંધો નથી. લીલાભાઇ ગૌરના જણાવ્યા મુજબ, તેમણે દીકરાને ભણાવા પાછળ લાખો રૂપિયોનો ખર્ચ કર્યો હતો. તેને પગભર બનાવી પોતાની પિતા તરીકેની ફરજ પૂરી કરી હતી. હવે જ્યારે માતા પિતાને સંભાળવાની જવાબદારી દીકરાની છે, ત્યારે તે સાધુ બની ગયો છે.