દાહોદ : લીમખેડાના પરમારના ખાખરીયાની સીમાડામાંથી એક શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલામાં બહાર આવ્યુ કે, લીમખેડાના ખીરખાઈ ગામના લોકોએ અપહરણ બાદ હત્યા કરી હતી. મૃતકના દીકરાનું ખીરખાઈ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જેને લઈને તેમનુ અપહરણ અને હત્યા કરાઈ હતી. અપહરણ તેમજ હત્યાની ઘટનામાં લીમખેડા પોલીસ મથકે 6 લોકો સામે ગુનો નોંધાયો છે. હત્યામાં ખીરખાઈ ગામના સરપંચ સરતન ડામોર તેમજ સરપંચના પત્ની ટીનાબેન ડામોર, જેઓ હાલ જિલ્લા પંચાયતના સભ્ય છે તથા અન્ય 4 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો છે. અપહરણ તેમજ હત્યામાં સરપંચ સહિત ભાજપના જિલ્લા પંચાયતના સભ્યનું નામ ફરિયાદમાં નોંધાતા ખળભળાટ મચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, લીમખેડા તાલુકાના ખાખરિયા ગામમાં રહેતા પંકેશ નીનામા નામના યુવકે ખીરખાઈ ગામની રયલાભાઈ ડામોરની દીકરી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને યુવક-યુવતીઓ લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ભાગી ગયા હતા. આ જાણ થતા જ રયલાભાઈના પરિવારજનો પંકેશના ઘરે દોડી ગયા હતા. તેઓએ પંકેશના પિતા સુક્રમભાઈ તથા અન્ય પરિવારજનો સાથે ગાળાગાળી કરી અને મારામારી કરી હતી. આટલુ ન અટકતા યુવતીના પરિવારજનો સુક્રમભાઈને ધસડીને તેમનુ અપહરણ કરીને ખીરખાઈ ગામમાં લઈ ગયા હતા. 


બીજી તરફ, ખીરખાઇ લઇ જઇને સુક્રમભાઇને સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. મારને કારણે સુક્રમભાઈનુ મોત નિપજ્યુ હતુ્ં. જેથી રયલાભાઈના પરિવારજનો સુક્રમભાઈની લાશને ખાખરીયાની સીમાડામાં રસ્તાની એક બાજુ ફેંકીને જતા રહ્યા હતા. પોલીસને મૃતદેહ મળતા જ તપાસ શરૂ કરી હતી. જેમાં ખીરખાઈ ગામના લોકોએ આચરેલી ક્રુરતા સામે આવી હતી.


આ મામલે મૃતક સુક્રમભાઇના પૂત્ર નરેશ નીનામાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે લીમખેડા પોલીસે સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો સામે અપહરણ અને હત્યા સબંધી ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યામાં ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યની પત્નીનો રોલ સામે આવ્યો છે, જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે.