અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં વધુ એક બ્રિજના બાંધકામ સામે સવાલ ઉભા થયા છે. લોકાર્પણના 10 મહિનામાં જ સનાથલ ચોકડી પરના ફ્લાયઓવર પરથી ડામરના પોપડાં ઉખડવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે. બ્રિજના સમારકામ સુધી હવે વાહનચાલકોએ ફરી હાલાકીનો સામનો કરવો પડશે. અમદાવાદમાં બનતા બ્રિજની ગુણવત્તા સામે સવાલ ન ઉઠે તો જ નવાઈ. નબળી ગુણવત્તાવાળા નવા અને જૂના બ્રિજની વણઝાર સર્જાઈ છે, જેમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે. આ બ્રિજ છે સરદાર પટેલ રિંગરોડ પરનો સનાથલ ફ્લાયઓવર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્સ્ટ્રક્શનને નોટિસ આપીને ખુલાસો માગ્યો
આ જ વર્ષે 10 માર્ચે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. જો કે બ્રિજ ખૂલ્લો મૂકાયાના થોડા જ સમયમાં ડામરના પોપડાં ઉખડવા લાગ્યા, જેમાં પેચ વર્ક કરવાની ફરજ પડી, જો કે રોડ તૂટવાનો સિલસિલો રોકાયો નથી. ઔડાએ બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ડેલ્ફ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટનું મોનિટરીંગ કરનાર કસાડ એજન્સી અને બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શનને નોટિસ આપીને ખુલાસો માગ્યો છે. 


વિવાદિત એજન્સીને ફરી કામ આપી દેવાયું
અહીં એ વાત પણ જાણી લેવી જોઈએ કે GFXIN સનાથલ ફ્લાયઓવરની ડિઝાઇન તૈયાર કરનાર ડેલ્ફ કન્સલ્ટન્સીએ જ હાટકેશ્વર અને મુમતપુરા બ્રિજની ડિઝાઈન પણ તૈયાર કરી હતી. જેમાંથી હાટકેશ્વર બ્રિજને તો ઉતારી લેવાનો વારો આવ્યો છે, જ્યારે મુમતપુરા બ્રિજનો કેટલોક હિસ્સો નિર્માણ દરમિયાન ધરાશાયી થયો હતો. તેમ છતા વિવાદિત એજન્સીને ફરી કામ આપી દેવાયું. 


બ્રિજના બાંધકામને ગંભીરતાથી કેમ નથી લેવાતું
AUDAના સીઈઓનું માનીએ તો બ્રિજની ડિઝાઈનમાં કોઈ ખામી નથી, પણ વરસાદના પાણીના ભરાવાને કારણે રસ્તાને નુકસાન થયું છે. સનાથલ બ્રિજનું બાંધકામ પોતાનામાં ઘણા સવાલ ઉભા કરે છે. સૌથી મોટો સવાલ એ છે કે બ્રિજ પર પાણીના નિકાલ માટે યોગ્ય ઢાળ નથી, તેની જાણ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરનાર એજન્સીને કેમ ન હતી. શું બ્રિજની અંદર પાણી ભરાઈ રહેતાં મૂળ સ્ટ્રક્ચરને નુકસાન નહીં થયું હોય. સવાલ એ પણ છે કે બ્રિજના બાંધકામને ગંભીરતાથી કેમ નથી લેવાતું. 


ટ્રાફિકથી જનતાની હાલાકી વધશે
કોન્ટ્રાક્ટર તો બ્રિજનું સમારકામ કરી દેશે, પણ તેના માટે બ્રિજને વારાવરતી એક તરફ બંધ રાખવો પડશે. આ દરમિયાન જામ થનાર ટ્રાફિકથી જનતાની હાલાકી વધશે. હવે જોવું એ રહેશે કે તંત્ર આ કિસ્સામાંથી કોઈ ધડો લે છે કે નહીં..