મેડિકલના અભ્યાસમાં તોતિંગ વધારો, આંકડાઓ જાણીને આંખો થશે પહોળી
હાલમાં ફ્રી સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે
અમદાવાદ : હાલમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી મેડિકલ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કોલેજોમાં મેડિકલ કોર્સની ફીમાં 400 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે UG મેડિકલ કોલેજોમાં ફી 6000 પ્રતિ વર્ષથી વધીને 25,00 કરવામાં આવી છે. ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કોર્સમાં UGની ફીમાં 400 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ડેન્ટલ કોર્સની વાત કરીએ તો ફી 4000 રુપિયા પ્રતિવર્ષથી વધારીને 20,000 કરવામાં આવી છે. ફિઝિયોથેરાપી કોર્સની ફી 3000થી વધારીને 15000 કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્તમાન નાણાંકીય વર્ષથી જ દરેક સરકારી કોલેજમાં આ ફી વધારો લાગુ પડશે.
રાજ્ય સરકારે પહેલી વાર પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની અને સુપર-સ્પેશિયાલિટીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ફી અમલમાં મુકી છે. હવે PG મેડિકલ કોર્સ કરનારા વિદ્યાર્થીઓએ દર વર્ષે 35000 રુપિયા ફી ભરવી પડશે. સરકાર પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ પાસે પહેલા ફી નહોતી વસુલતી, ઉપરથી તેમને દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવતુ હતું, કારણકે આ વિદ્યાર્થીઓ તેમની કોલેજ સાથે સંકળાયેલી જે તે કોલેજમાં કામ કરતા હોય છે. હવે ડેન્ટલ સર્જરીમાં માસ્ટર કરનારા વિદ્યાર્થીઓએ પણ વાર્ષિક 25000 રુપિયા ફી ભરવી પડશે.
રાજ્ય સરકારે ફી વધારાનું કારણ જણાવતા કહ્યું કે, મેડિકલનો અભ્યાસ ખર્ચાળ થઈ રહ્યો છે અને આ કારણે ફીમાં વધારો કરવાનું જરૂરી બન્યું છે.