રાજપીપળાઃ રાજપીપળામાં લાલ ટાવર વિસ્તારમાં આવેલા જુના એન.સી.સી. કમ્પાઉન્ડમાં રમી રહેલા એક બાળક પર ગોળીબારની ઘટના બની છે. આ બાળક અહીં આવેલા આંબળાના ઝાડ પરથી આંબળા તોડી રહ્યો હતો ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેના ઉપર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બંદૂકથી કરાયો છે કે એરગનથી તે અંગે હજુ રહસ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ, રાજપીપળામાં લાલ ટાવર વિસ્તારમાં આવેલા એક મેદાનમાં રમી રહેલા બાળક પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોળી બાળકને ડાબા હાથની કોઈમાં વાગી હતી. આથી, ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જવાયો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ ગોળી બાળકની કોણીના હાડકામાં ઘુસી ગઈ છે અને તેના માટે ઓપરેશન કરવું પડશે. 


માત્ર 14 વર્ષના બાળક પર ગોળીબાર કરવામાં આવતા અનેક રહસ્યો ઊભા થયા છે. માતા-પિતાના કહેવા મુજબ બાળક મેદાનમાં આવેલા આંબળાના ઝાડ પરથી આંબળા તોડી રહ્યો હતો, જેની સજા સ્વરૂપે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો છે. બાળક ગભરાઈ ગયો હોવાથી હાલ કશું બોલતો નથી. 


હાડકામાં ઘુસી ગયેલી ગોળીને બહાર કાઢવા માટે બાળકને રાજપીપળાથી વડોદરા રીફર કરવામાં આવ્યો છે. હાલ તો તેને ઈજાગ્રસ્ત ભાગે ડ્રેસિંગ કરી દેવાયું છે. ઓપરેશન થયા બાદ જ ખબર પડશે કે બાળકને વાગેલી ગોળી બંદૂકની હતી કે એરગનની. 


ગોળીબારની ઘટનાના સમચાર મળતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.