અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન લૂંટની ત્રણ જેટલી ઘટનાઓ બનવા પામી છે. ત્યારે મંગળવારે અરવલ્લી જીલ્લાના ભિલોડા ખાતે ગોળી બિસ્કીટ વેચતા એક હોલસેલના વેપારીની અજાણ્યા બે શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ વેપારીની હત્યા કર્યા બાદ પૈસા ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે હત્યારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ગોળી બિસ્કીટનો હોલસેલ વેપાર કરતા રાજેન્દ્રકુમાર હરકલાલ અગ્રવાલ મંગળવારે મોડી સાંજે તેઓની દુકાન બંધ કર્યા બાદ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ ઘરે પહોચ્યા બાદ એકટીવાની ડીકી માં મુકેલું પૈસાનું પાકીટ કાઢી લઇ ઘરમાં જઈ રહ્યા હતા તેવામાં અજાણ્યા બે શખ્સો આવ્યા હતા અને આ વેપારી પર ફાયરીંગ કર્યું હતું.

જેમાં વેપારીને જમણા હાથે ખભાના ભાગે ગોળી વાગતા વેપારી ઘર આગળ જ ઢળી પડ્યા હતા. ત્યારે ફાયરીંગ કર્યા બાદ બે શખ્સો પૈસા ભરેલું પાકીટની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. જ્યારે વેપારીને ગોળી વાગવાના અવાજથી આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને વેપારીને ભિલોડા ખાતે આવેલી મીરાં હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.


સમગ્ર ઘટના ને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોલે ટોળા ઉમટ્યા હતા. જ્યારે ઘટના અંગે પોલીસને જાણ થતા જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. 
પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ત્યારે ઘટના અંગે હાલતો પોલીસે મૃતક વેપારીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા બાદ વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવી છે. જ્યારે ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ નાકાબંધી કરી હત્યારાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.