હવે સહેલાણીઓ માણી શકશે સિંહ દર્શન, ગીરના જંગલમાં ગાઈડ તરીકે મહિલાઓને કરાઇ તૈનાત
ગીરમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓને મહિલા ગાઈડ જંગલ અને જૈવિક વિવિધતાનું માર્ગદર્શન કરશે અને બીજી તરફ મહિલાઓને પણ રોજગારી મળશે તેના કારણે સાસણ ગીરની મહિલાઓને મોટો ફાયદો થયો છે.
હનીફ ખોખર, જુનાગઢ: એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીરનું જંગલ સહેલાણીઓ માટે ખુલી ગયું છે, પરંતુ આ વખતે પહેલીવાર ગીરના જંગલમાં ગાઈડ તરીકે મહિલાઓને તૈનાત કરવામાં આવી છે. એટલે હવેથી ગીરમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓને મહિલા ગાઈડ જંગલ અને જૈવિક વિવિધતાનું માર્ગદર્શન કરશે અને બીજી તરફ મહિલાઓને પણ રોજગારી મળશે તેના કારણે સાસણ ગીરની મહિલાઓને મોટો ફાયદો થયો છે.
ગીરનું વિશાલ જંગલ કે જ્યાં એશિયાઈ બબ્બર સિંહ વસવાટ કરે છે. ગીરનું જંગલ અને ગુજરાતનું ગૌરવ સામ કેશરી સિંહોની એક ઝલક જોવા માટે દુનિયાભરના સહેલાણીઓ સાસણ ગીર આવે છે. અને ગીર જંગલના રાજાથી રૂબરૂ થાય છે, પ્રવાસીઓ જયારે જંગલમાં જાય છે ત્યારે તેની સાથે એક જીપ્સી ડ્રાયવર અને એક ગાઈડ હોય છે આ ગાઈડની ભૂમિકા ખુબ જ મહત્વની હોય છે. જે જંગલના જાનવરો અને જૈવિક વિવિધતા અંગે પ્રવાસીઓને જ્ઞાન આપે છે. ભારત દેશના તમામ જંગલોમાં હંમેશા પુરુષ ગાઈડ જ હોય છે પરંતુ ગુજરાતના આ ગીરના જંગલમાં સરકારે પહેલીવાર મહિલાઓને સ્થાન આપ્યું છે અને સાસણ ગીરની 25 મહિલાઓ હવે ગીરના જંગલના દેવળીયા ટુરિઝમ ઝોનમાં પ્રવાસીઓ સાથે જીપ્સીમાં જઈને ગીરના જાનવરો અને જૈવિક વિવિધતા માહિતી આપશે આ માટે તમામ મહિલાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર દેવળીયા પાર્કમાં પણ જીપ્સીની પણ શરૂઆત કરવામાં આવી છે, દેવળિયાપાર્કમાં સાફરીમાટે તૈયાર કરવામાં આવેલી જીપ્સીને આ રીતે લોખંડની જાળી થી ફિટ કરવામાં આવી છે. પહેલીવાર મહિલા ગાઈડને તૈનાત કરવામાં આવી હોવાથી મહિલાઓ પણ ખુબ જ ઉત્સાહિત છે. વન વિભાગે મહિલા ગાઈડ માટે 400 રૂપિયા પર ટ્રીપ વેતન પણ નક્કી કર્યું છે જેના કારણે મહિલાઓ આર્થિક રીતે પગભર થશે અને પરિવારને મદદરૂપ પણ થઇ શકશે. સાસણ ગીરની આ મહિલાઓ કહે છે કે અમે ઘરની બહાર પગ મુક્યો નથી પરંતુ હવે અમે ટ્રેનિંગ લઈને ગીર અને જૈવિક વિવિધતા વિષે બધુ જ જ્ઞાન મેળવી લીધું છે. તે ઉપરાંત પર્યાવરણનું જતન કેમ કરવી જંગલને કેવી રીતે અને શા માટે સાચવું તે જ્ઞાન અમે મેળવ્યું છે અને અમે તે જ્ઞાન ગીરમાં આવતા પ્રવાસીઓને આપીશું.
આમ તો ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વન વિભાગમાં 2005થી મહિલાઓની ભરતીની શરૂઆત કરી છે. અને આજે અસંખ્ય મહિલાઓ ગીરના વિશાળ જંગલમાં ખૂંખાર જંગલી જાનવરો સ્થાઈ કામ કરી રહી છે ત્યારે હવે ગાઈડ તરીકે પણ મહિલાની સ્થાન અપાતા હવે ગ્રામ્ય મહિલાઓ માટે પણ રોજગારીની તકો ખુલી રહી છે.