કોંગ્રેસ યુક્ત ભાજપઃ પાંચ પૂર્વ ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી કુલ 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. હવે આઠમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ ગયા છે.
ઝી બ્યૂરો/ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો હતો. ગુજરાત કોંગ્રેસમાંથી (Gujarat Congress) કુલ 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ (BJP) ત્રણ સીટ કબજે કરવામાં સફળ રહ્યું હતું, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામાં આપનાર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા ત્યારબાદ વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. હવે રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા છે. આ માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતા.
આ ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો
આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને પૂર્વ ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યાં પ્રહાર
કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પોતાના નેતાને સાચવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યુ કે, 2013થી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, માત્ર ભાજપ પર આરોપ લગાવવા હોય તો ગુજરાત કોંગ્રેસે દુકાન બંધ કરી દેવી જોઈએ. તેમણે કહ્યુ કે, પાંચ-પાંચ વાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે.
રાજીનામા આપનાર ધારાસભ્યો
કોંગ્રેસમાંથી માર્ચ મહિનામાંકુલ પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં લીંબડીના સોમાભાઇ પટેલ, ગઢડાના પ્રવીણ મારું, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ડાંગના મંગળ ગાવિત અને ધારીના જે.વી. કાકડીયાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડાના જીતુ ચૌધરી તેમજ મોરબીના બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હતું.
ભાજપમાં જોડાનાર પૂર્વ ધારાસભ્યોને મળશે ટિકિટ?
હવે આગામી દિવસોમાં રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને શું ભાજપ ટિકિટ આપશે કે નહીં તે પણ જોવાનું રહેશે. બીજીતરફ જે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે ત્યાં ભાજપના નેતાઓ પણ ટિકિટની આશા રાખીને બેઠા છે. આ સમયે ભાજપે વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે.
કોંગ્રેસે લગાવ્યા હતા આરોપ
કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામા પર કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ સત્તાના જોરે અમારા ધારાસભ્યોને મોટી રકમ આપીને ખરીદી રહ્યું છે. તો ભાજપ હંમેશા આ આરોપને નકારતુ રહ્યું છે. તો આજે કેટલાક ધારાસભ્યોએ ઝી મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું હતુ કે, અમારા વિસ્તારમાંથી કોઈ કામ ન થવાને કારણે અમે રાજીનામાં આપ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube