કીવમાં ફસાયેલા વિદ્યાર્થીએ કહ્યું, યુક્રેન આર્મીએ અમારી છાતી પર બંદૂક તાણી હતી
યુક્રેનનાં યુદ્ધ વચ્ચે ફસાઈ ગયેલા આણંદ જિલ્લાના પાંચ યુવકો ભારત સરકારનાં ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પરત ફરતા તેઓના પરિવારજનો દ્વારા આરતી ઉતારી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું
બુરહાન પઠાણ/આણંદ :યુક્રેનનાં યુદ્ધ વચ્ચે ફસાઈ ગયેલા આણંદ જિલ્લાના પાંચ યુવકો ભારત સરકારનાં ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પરત ફરતા તેઓના પરિવારજનો દ્વારા આરતી ઉતારી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવકોએ પોતાની નજર સામે યુદ્ધના દિલધડક દ્રશ્યો નિહાળ્યા હોવાનું જણાવ્યું હતું.
આણંદનો હર્ષિલ ત્રિવેદી, નીલ પંચાલ, ધવલ પટેલ, અવિનાશ રાણા સહિત પાંચ યુવાનો વર્ક પરમીટ પર પૈસા કમાવા માટે યુક્રેન ગયા હતા. અને યુક્રેનનું મુખ્ય શહેર કીવમાં જોબ કરતા હતા. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા તેઓ કીવમાં ફસાઈ ગયા હતા. રશિયાએ સૌથી પહેલુ આક્રમણ કીવ પર જ કર્યુ હતું, જેથી ત્યાં પરિસ્થિતિ સૌથી પહેલા બગડી હતી.
આ પાંચેય યુવકોએ બે રાત બંકરમાં વિતાવી હતી. જ્યાં ખાવા પીવાની પણ તકલીફ હતી. તેઓએ પોતાના ઘર નજીક એક ઇમારતને નષ્ટ થતા જોઈ હતી. ફાયરિંગ અને બ્લાસ્ટના આવજો સતત સંભળાતા હતા. જેને લઈને તેઓ ગભરાઈ ગયા હતા અને આખરે તેઓએ કીવ છોડવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : વિસનગરમાં લગ્નમાં દાવત બાદ 1255 લોકોને ફૂડ પોઈઝનિંગ, દર્દીઓને બીજા શહેરમાં સારવાર માટે લઈ જવાયા
વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમે કીવ છોડવા માટે તેઓ પોતાનો સામાન લઈ બહાર નીકળ્યા ત્યારે તેમની નજીકમાં આવેલી એક રેસ્ટોરન્ટ પર મિસાઈલ ત્રાટકતા બ્લાસ્ટ થતા જોયું હતું. જ્યારે એક મિસાઈલ પોતાના માથા પરથી પસાર થતા જોઈ તેઓ ખુબ જ ભયભીત બન્યા હતા. અમે રસ્તામાં પાંચથી વધુ સબવે સ્ટેશન નષ્ટ થયેલા જોયા હતા. રસ્તામાં યુક્રેન આર્મીએ અમારી કાર રોકી હતી અને અમારી છાતી પર ગન મૂકી દેતા અમે નજર સામે મોત નિહાળ્યું હતું. પરંતુ આર્મીએ અમારા પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જોયા બાદ તેઓને આગળ જવા દીધા હતા. ત્યારબાદ તેઓ 30 કિલોમીટર પગપાળા ચાલી પોલેન્ડની સરહદ પહોંચ્યા હતા. ત્યારે આખરે અમે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : યુક્રેનથી આવેલા 2 વિદ્યાર્થી સોમનાથમાં શિશ નમાવવા પહોંચ્યા, કહ્યું-તિરંગાનું સાચુ મહત્વ અમે વિદેશી ધરતી પર જોયું
વિદ્યાર્થીઓએ કહ્યું કે, પોલેન્ડની બે નંબરની સરહદ પર ભારતીય એમ્બેસીની મદદથી અમે પોલેન્ડ પહોંચ્યા હતા અને ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ અમે દિલ્હી અને દિલ્હીથી સહીસલામત આણંદ પહોંચ્યા હતા. આમ, ભારતની ધરતી પર પગ મૂકીને પાંચેય યુવાનો અને તેમના પરિવાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
યુવકો સહી સલામત ઘરે પરત આવતા તેઓનું આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદના સાંસદ મિતેષ પટેલે પણ આ પાંચેય યુવકોની મુલાકાત લીધી હતી. પાંચેય યુવકોએ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.