કયા પક્ષ માટે પ્રચાર કરશો? સળગતા સવાલનો નરેશ પટેલે આપ્યો જવાબ
Gujarat Elections : પાટીદારોમાં ચહીતા નરેશ પટેલ કોના માટે ચૂંટણીનો પ્રચાર કરશે, આ સવાલ પર તેમણે શું કહ્યું તે જાણો
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. કેટલા ઉમેદવારોના નામ હજી સુધી જાહેર થયા નથી, તો કેટલીક બેઠકો પર ઉમેદવારોએ પ્રચારના પડઘમ શરૂ કરી દીધા છે. આ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું એક નિવેદન ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ કોના એવા અનેકવાર સવાલો ઉઠ્યા છે. તેઓ ભાજપ, કોંગ્રેસમાં જોડાય છે તેવી વાતો પણ વહેતી થઈ હતી. તો નરેશ પટેલ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. જેના બાદ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને રાજકોટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે સવાલ એ ઉઠ્યો હતો કે, નરેશ પટેલ કોના માટે પ્રચાર કરશે. ત્યારે આ સળગતા સવાલનો જવાબ ખુદ નરેશ પટેલે આપ્યો છે.
એક નિવેદનમા નરેશ પટેલે કહ્યું કે, ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે. હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાને મળતો હોઉં છું. તેથી કોઈપણ વ્યક્તિના પ્રચાર માટે જઇશ નહિ. દક્ષિણ બેઠકમાં ત્રણે ત્રણ ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે, જે સારા ઉમેદવારો છે તેને લોકો મત આપશે. તો રમેશ ટીલાળાના પ્રચાર વિશે નરેશ પટેલે કહ્યું કે, હું કોઈના પ્રચારમાં આ વખતે નહીં જાઉં.
પાટીદાર નેતા નરેશ પટેલે કહ્યું કે, રમેશ ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી છે અને ભાજપ સાથે જોડાયેલા છે. ખરો ચૂંટણીનો માહોલ તમામ ટિકિટો ફાઇનલ થયા બાદ અને 15 તારીખે ફોર્મ પરત ખેંચ્યા પછી જ ખબર પડશે. રમેશભાઈની જેમ મારા અંગત લોકો રાજકારણમાં છે. ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે. હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાને મળતો હોઉં છું. તેથી હું કોઈપણ વ્યક્તિના પ્રચાર માટે જઇશ નહીં. દક્ષિણ બેઠકમાં ત્રણે ત્રણ ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે. જે સારા ઉમેદવારો છે તેને લોકો મત આપે.
2017ની સરખામણીએ આ વખતે પાટીદારોની ટિકિટ કપાવવા મામલે તેમણે કહ્યું કે, સમીકરણો બદલાતા હોય છે. રાજકીય પક્ષો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા પણ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે. ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળા ખોડલધામ ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટી છે. તો કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા લેઉવા પાટીદાર છે. તેથી કોને ટેકો આપવો તે જ સમજાતું નથી.