ગાંધીનગરઃ આગામી બુધવારે (31 ઓક્ટોબર) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ યોજીને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાનને સવાલ કરતા પૂછ્યું કે, યુનિટીનો શું અર્થ થાય છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, જેમણે પોતાના રજવાડા આપી દીધા હતા તેમનું સરકારે સન્માન કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું સારી વાત છે, પરંતુ જેમણે પોતાના રજવાડા આપી દીધા તેમનું સન્માન કરવું જોઈએ. વડોદરા અને રાજપીપળાના રાજવીઓનું ખાસ કરીને સન્માન કરવું જોઈએ. સરદારનું સ્ટેચ્યું એક માર્કેટિંગ છે. જેનો ભાજપ રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. શંકરસિંહે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદારના મેમોરિયલમાં આજ સુધી કોઈ સહાય કરવામાં આવી નથી. તેની મુલાકાત લેવાની તસ્દી પણ સરકારે લીધી નથી. 


શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જ્યારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ કરવામાં આવ્યું ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. તેમણે પૂછ્યું કે, મોદીજી તમે કોને મુર્ખ બનાવો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઇન ચાઈના છે. તમે આ પ્રતિમાથી કોને ખુશ કરવા માંગો છો. સરદાર સાહેબને આજે પણ અન્યાય થઈ રહ્યો છે.