ગૌરવ દવે/રાજકોટ: રીબડા ખાતે આજે મહાસંમેલન યોજાયું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા સંમેલન યોજાયું છે. રિબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા શરૂ થયેલું શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાના જૂથે જયરાજસિંહ જાડેજાના સમર્થકને માર માર્યાના બનાવથી વાતાવરણ ગરમાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે (બુધવાર) અમિત ખૂંટ નામના યુવકે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા સંમેલન યોજ્યું છે. બે દિવસ પહેલા સરદાર પટેલ ગ્રુપે જયરાજસિંહ જાડેજાનું સન્માન સમારોહ રાખ્યો હતો. જેમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રિબડામાં એ લોકોની દાદાગીરી નહિ ચાલે, એની ગાજરની પપુડી નહિ વાગવા દઉં. રિબડા અને ગોંડલના ક્ષત્રિય આગેવાનોના જૂથ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. ચૂંટણી પછી પણ રિબડામાં ગરમાવો જોવા મળ્યો છે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.


પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન
રાજકોટ રિબડા મહા સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જે લોકો પર આપવીતી ગુજરી હોય તે ખુલ્લું બોલવાનું છે. સ્ટેજ પર મહિલા આવી અને બોલવા માત્ર જણાવ્યું હતું અને કોઈથી ડરવાનું નથી, હું બેઠો છું. તેવું જણાવ્યું હતું.



પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સંબોધન શરૂ
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રિબડાની આઝાદીની તારીખ લખી લેજો. 22 ડીસેમ્બર, 2022 લખી લેજો. આજે અમે અહીં કોઈની માથે હુમલો કરવા ભેગા થયા નથી કે કોઈની જમીન પચાવી પાડવા પણ ભેગા થયા નથી. આપણે સ્વાભિમાન માટે અને સ્વ બચાવ માટે ભેગા થયા છીએ.


જયરાજ સિંહે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હું તમારા દાદા સામે લડ્યો તો.. રીબડા સામે 22 ડિસેમ્બર આજે આઝાદ થયા છીએ. આપડે કોઈ ને દબાવવા માટે ભેગા થયા નથી, આપણે આપણી સલામતી માટે ભેગા થયા છીએ. ભાજપની સરકાર જ્યારથી આવી ત્યારથી ગુંડાગીરી જય માતાજી થઈ ગઈ છે. તમને કુદરતે જે આપ્યું તે તમે ખાવ અને ગામને શાંતિથી ખાવા દયો. મારો સંદેશો આવો જ છે, તમારે શાંતિ થી જીવવું છે ?...જો તમારે શાંતિ થી જીવવું છે તો મારે પણ શાંતિથી જીવવું છે. જરૂર પડશે તો હું આ ગામમાં રહેવા પણ આવીશ. ઘણા મકાન ખાલી છે હું સાચે રહેવા આવી જઈશ. ગોંડલમાં પગી પણું કરું છું તો રિબડાનું પણ પગી પણું કરતા આવડે છે. પોલીસ કોઈની છે નહીં, જે ગુનો કરશે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. કોઈ એવું કે પોલીસ જયરાજસિંહની છે તો એવું પણ નથી. જયરાજસિંહ હોઈ કે પછી XYZ કે પછી અનિરૂદ્ધ હોય કે તેની ઓલાદ હોય બધા માટે કાયદો એક જ છે. ભય નામના રિબડામાંથી મારે નિર્ભય રિબડા બનાવવું છે. 


રિબડા ગામની મહિલાઓનું નિવેદન
રિબડા ગામની મહિલાઓએ મહા સંમેલનમાં જણાવ્યું હતું કે, અમારા ઘર પાસે વાહનો લઈને આવે છે. મહિપતસિંહ દ્વારા હેરાન કરવામાં આવે છે. ચૂંટણીમાં ભાજપને મત આપવાથી અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભાજપમાં મત આપવાથી અમને ધમકીઓ પણ મળી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા અમને પાણી હોવા છતાં આપવામાં આવતું નથી. 


સ્થાનિક લોકોનું નિવેદન
રિબડા ગામના યુવકે જણાવ્યું હતું કે, અમને ધમકીઓ આપી રહ્યા છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી અમારો અવાજ પહોંચાડજો. ભાજપને મત આપવાથી અમને ધમકીઓ મળી રહી છે. ઘનશ્યામ સવજી પીપળીયા નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારી જમીનના ભાવ એ લોકો નક્કી કરે છે. અમને ધમકીઓ આપીને જમીનો પડાવી લેવામાં આવે છે. એક પીડિતે આ વિશે જણાવ્યું હતું કે, અમારી જમીનમાં ગેરકાયદેસર પ્લોટ બનાવી દસ્તાવેજો બનાવી વેચી નાખ્યા. નેશનલ હાઈ-વે પર અમારી જમીન છે. મને દબાવી અને જમીન વેંચાવવામાં આવી છે. મફતના ભાવમાં અમારી જમીન પડાવી વેંચી નાંખી છે. ઘનશ્યામ સવજી પીપળીયા નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારી જમીનના ભાવ એ લોકો નક્કી કરે છે. અમને ધમકીઓ આપીને જમીનો પડાવી લેવામાં આવે છે. રિબડા ગામમાં ગેરકાયદેસર ખનીજ બંધ કરાવવાની રજુઆત થઈ છે.


ફરિયાદી અમિત ખૂંટનું નિવેદન
બુધવારે મોડી સાંજે અમિત ખૂંટ નામના યુવકે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે, મને મારી નાખવાની ધમકી મળે છે. હું બાઇક લઈને ખેતરેથી આવતો હતો ત્યારે મારા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હોત. દેશ આઝાદ થયો પણ હજુ રિબડા આઝાદ થયું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે રિબડાને હવે આઝાદ કરાવો.


રિબડાના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ સગપરિયાનું નિવેદન
આ સમગ્ર ઘટના અંગે રિબડાના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ સગપરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યાંય પણ જાવ અને રિબડાનું નામ લ્યો એટલે કહે રિબડામાં તમે જન્મ લીધો. અનિરુદ્ધસિંહ હજી જુવાન થયા હતા ત્યારે જ પિતાની છત્રછાંયા ગુમાવનાર દીકરીઓના ઘરમાં ઘૂસી ગયો હોવાનો આરોપ લાગ્યો છે. સરપંચ મહિપતસિંહ જાડેજાને ફરિયાદ કરતા દીકરીઓનો વાંક છે તેવો જવાબ આપ્યો. આ નિરાધાર દીકરીઓને રાજકોટ લઈ જઈ 35 વર્ષ પહેલાં મેં લગ્ન કરાવ્યા હતા.


ગોવિંદભાઇ સગપરિયાએ અનિરૂદ્ધસિંહ જાડેજાને ગામની ખસ ગણાવી હતી. રિબડા ગામની મહિલાઓને મારે કહેવું છે કે, ઘરમાં કોઈ પણ આવે ને તો દાતેડું લઈને હાથ કાંપી જ નાંખજો. ભાઈ હોઈ ને તો પણ કહી દેજો મર્યાદામાં રહેવાનું. વોટિંગ કરવા જ્યાં હોવ ત્યાંથી રિબડા આવી જવાનું અને મતદાન કરવાનું. જે વાહન અને જે હથિયાર મળે તે લઈને રિબડા આવી જ જવાનું. કાંઈ હોય કે ન હોય કુહાડી જેવા હથિયાર તો ઘરમાં હોય જ. રિબડા ખાતેના મહા સંમેલનમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.