હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર જાગી, પૂર્વ MLA કાંતિ ગામિતની ધરપકડ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતે પોતાના ઘરે પ્રસંગોમાં કોરોના વચ્ચે હજારો લોકોને ભેગા કર્યા હતા. હવે આ મામલે તેમની વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
તાપીઃ એકતરફ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોવિડના તમામ નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે. આ વચ્ચે ગઈકાલે ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. 30 નવેમ્બરની રાત્રે યોજાયેલા સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર જાગી છે. પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. સોનગઢ પોલીસે આયોજકો અને તેની સાથે સંકળાયેલા 18 લોકો સામે ગુનો નોંધ્યો હતો.
18 લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો
હાઈકોર્ટની ફટકાર બાદ સોનગઢ પોલીસે આયોજકો અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આઈપીસીની કલમ 188, 269, 270 જીપીએ કલમ, એપેડેમિક એક્ટ કલમ 3,. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 બી મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કુલ 18 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં માજી મંત્રી કાંતિ ગામિત, તેમના પુત્ર જીતુ ગામિત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ, પીઆઈ સીકે ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશ ગામિત વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
શું છે ઘટના
ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. 30 નવેમ્બરની રાત્રે યોજાયેલા સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. હજારો લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. ભાજપના નેતા કાંતિ ગામિત રાજ્નયા પૂર્વ આદિજાતિ મંત્રી અને સુમુલના ડિરેક્ટર છે. વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગાવિતે માફી માંગી હતી. તો બીજી તરફ, સરકારે તેની ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા હતા.
કાંતિ ગામિતના પરિવારના લગ્ન પ્રસંગ મામલે પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી
હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, ભાજપના નેતા કાંતિ ગામિતના પરિવારમાં લગ્ન હતા. ત્યારે સરકારે 6 હજારની ભીડ સામે શુ પગલાં લીધા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો કે, સરકાર દ્વારા આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube