ગૌરવ દવે/રાજકોટ : વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વર્ષ 2022ની થીમ 'લોહી આપો અને વિશ્વને ધબકતું રાખો' રાખવામાં આવી છે. આજે 14 જૂનના દિવસને ‘‘વિશ્વ રક્તદાન દિવસ’’ ઉજવવામાં આવે છે. રાજકોટના પૂર્વ સાંસદ અને ગૌ પ્રેમી ડૉ. વલ્લભ કથીરિયાએ આજે 130મી વખત રક્તદાન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ સાંસદ ડો. વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે, 1972માં કોલેજમાં એડમિશન લીધું ત્યારે પ્રથમ વખત રક્તદાન કર્યૂં હતું ત્યારથી લઈને આજ સુધીમાં મેં 130 વખત રક્તદાન કર્યું છે. અને રક્તદાન કરતો રહીશ. લોહી આપવાથી નુકસાન નથી થતું એટલે રક્તદાન કરવામાં કોઈ વાંધો નથી. આજની સશક્ત અને દેશને નવી રાહ ચિંધનાર યુવાપેઢીએ જન્મદિવસ, લગ્નની તિથિ, વડિલોની પૂણ્યતિથિ કે કોઈ ધાર્મિક તહેવારોની ઉજવણી કે અન્ય કોઈ પ્રસંગોએ રક્તદાન કરીને અન્ય લોકોને મદદરૂપ થવું જોઈએ. 


રાજકોટના વતની સાગર ચૌહાણ જણાવે છે કે, હું દેશના સૈનિકોની જેમ બોર્ડર ઉપર મા ભોમની રક્ષા કાજે ન જઈ શકું, પરંતુ દેશની અંદર રહીને પણ દેશસેવા કરી શકું છું. આ માટે મેં રક્તદાન કરવાનો રસ્તો અપનાવ્યો છે. અત્યાર સુધી કુલ 13 વખત રક્તદાન, 9 વખત પ્લાઝ્મા ડોનેશન અને 8 વખત એસ.ડી.પી. (સિંગલ ડોનર પ્લેટલેટ) કર્યું છે. રક્તદાનની શરૂઆત મેં 2017 થી કરી હતી અને આજ દિવસ સુધી નિયમિતપણે રક્તદાન કર્યું છે અને કરતો રહીશ.


આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂત નેતાએ ગ્લોબલ પોલિટિક્સમાં ઝંપલાવ્યું, હવે વૈશ્વિક ફલક પર વાગશે ગુજરાતનો ડંકો


રક્તમાં ત્રણ તત્વો, અનેક લોકોની જિંદગી બચાવે છે
રાજકોટની લાઇફ બ્લડ બેંકનાં ડો. યોગેશ દોમડીયાના કહેવા મુજબ, કોઈ એક વ્યક્તિ જ્યારે એક વખત રક્તદાન કરે ત્યારે તેમાં ત્રણ પ્રકારના તત્વો જોવા મળે છે. પ્લાઝ્મા, આર.બી.સી ( રેડ બ્લડ સેલ) અને પ્લેટલેટ્સ. દાતાના રક્તમાંથી અલગ અલગ રોગોની સારવાર મુજબ તેના ભાગ પાડવામાં આવે છે. જેમાં પ્લેટલેટની જરૂરિયાત ડેન્ગ્યુ, કેન્સર, પ્લાસ્ટિક એનેમિયા વગેરે જેવા રોગોની સારવારમાં ઉપયોગી થાય છે ત્યારે ગુલિયન બારી સિન્ડ્રોમ (જી.બી.એસ.), પેરાલિસિસ વગેરે જેવા રોગોમાં પ્લાઝ્માનો ઉપયોગ કરવામાં આવે છે. રક્તદાન એ મહાદાન છે, લાઈફ બ્લડ બેંકમાં પ્રતિવર્ષ ૧૩-૧૪ હજાર લોકો રક્તદાન કરે છે.


10 બ્લડ બેંકમાં 3 લાખ લોકો કરે છે રક્તદાન
રાજકોટ શહેરમાં અંદાજિત 10 જેટલી બ્લડબેંક છે. જેમાં સરેરાશ 100 જેટલા લોકો દરરોજ રકતદાન કરતા હોય છે. પ્રતિવર્ષ અંદાજિત 3 લાખથી વધુ લોકો રક્તદાનની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. રક્તદાતાઓના લીધે અગણિત લોકોની મહામુલી જીંદગી બચી શકી છે, સલામ છે આવા રકતદાતાઓને.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube