ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા છે. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ સૂચક મુલાકાત કહી શકાય એમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. એટલે કે પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આજે અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસે મુલાકાત કરી છે. જય નારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 


જયનારાયણ વ્યાસે ZEE 24 kalak સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું એક પુસ્તક લખવા જઈ રહ્યો છું અને અલગ અલગ મુદ્દાઓ આવરી લેવાનો છું. નર્મદાની વાત છે તો આપણે નર્મદાનું પાણી વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડી શકીએ જે રાજસ્થાન કરી રહ્યું છે. મેં આ અંગે સરકારને અગાઉ પણ રજુઆત કરી હતી. હું મૂર્ખ નથી કે રાજસ્થાનના સીએમને સર્કિટ હાઉસ મળવા જઉ.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશોક ગેહલોતને મળવા જવાનો અર્થ એ નથી કે હું કોંગ્રેસમાં જવાનો છું. બે દિવસ પહેલા જ મેં સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. મારા 80% કાર્યકર્તાઓનો મને સપોર્ટ કરે છે પછી ક્યાં જવું એ મારા કાર્યકર્તાઓ નક્કી કરશે. મારે સિદ્ધપુરથી ચૂંટણી લડવી છે. બીજે ક્યાંયથી લડવાનો કોઈ મતલબ નથી.


વધુ એક પાટીદાર ચહેરો આવતીકાલે AAPમાં જોડાશે!
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આવતીકાલે ગારિયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભામાં વધુ એક પાટીદાર ચહેરો એટલે કે અલ્પેશ કથીરિયા આપમાં જોડાઈ તેવું જાણવા મળી રહ્યું છે. અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.


મહત્વનું છે કે, અગાઉ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા સેવાઇ હતી. અગાઉ કોંગ્રેસમાં જોડાવાની વાતે પણ જોર પકડયું હતું. તેવામાં અલ્પેશ કથીરિયાએ આ વાત પર ખુલાસો કરીને ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા ગણાવી હતી. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં નહિ જોડાવ તેવું નિવેદન પણ અલ્પેશ કથીરિયાએ આપ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube