પુત્ર પ્રેમમાં કોંગ્રેસ છોડી: નારણ રાઠવાને કેસરિયો પહેરાવી ભાજપે મોટો ખેલ પાડ્યો, પાટીલનો માસ્ટર સ્ટ્રોક
Loksabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થવા માટે પ્રયાસો કરી રહી છે. ભાજપ સામે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે તેણે પોતાની વિરોધી પાર્ટી સાથે પણ હાલ મિલાવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરી બે બેઠક આપને આપી છે. મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં મજબૂત થવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષને સૌથી મોટો ફટકો પડ્યો છે. લોકસભા પહેલા કોંગ્રેસના એક સાંસદે જ કેસરિયો ખેસ ધારણ કરી લીધો...રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના આ મોટા નેતાની ભાજપમાં એન્ટ્રીથી કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ થઈ છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા એવા એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ક્યારેય માની શક્યા તેવા નથી. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી અને હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ માટે આ સૌથી મોટો ફટકો છે. કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસ સમાજની વસતી છે.
આ જ વિસ્તારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી થાય તે પહેલા જ મધ્ય ગુજરાતના મોટા કોંગ્રેસી નેતાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ રાઠવા સાથે કેસરી રંગમાં રંગાઈ ગયા...સાથે જ પોતાના હજારા કાર્યકરોને પણ ભાજપમાં સામેલ કરાવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તમામ કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવકાર્યા હતા.
એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થવા માટે અનેક પ્રયાસો કરે છે. જે પાર્ટીને કારણે દિલ્લીમાં તેનું સિંહાસન હચમચી ગયું હતું તે આમ આદમી પાર્ટી સાથે તેણે હાથ મિલાવી દીધો. આ એ જ આમ આદમી પાર્ટી છે જેના વડા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી રહેલા શિલા દીક્ષિતને હાર આપી હતી. તે જ પાર્ટી સાથે કોંગ્રેસે હવે ગઠબંધન કરવાનો વારો આવ્યો. ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક કોંગ્રેસે આપ માટે છોડી છે. ભરૂચથી આપના ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણા ઉમેદવાર છે. વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે. ચૈતર વસાવા અને કોંગ્રેસને ભરૂચ જીતવાનો વિશ્વાસ છે પરંતુ વિપક્ષ મધ્ય ગુજરાતમાં મજબૂત થવાનો પ્રયાસ કરે તે પહેલા જ ભાજપે રાઠવાને ભાજપમાં સામેલ કરાવી મોટો ખેલ કરી દીધો.
ભાજપમાં જોડાયેલા નારણ રાઠવા છે કોણ તે પણ તમે જાણી લો...તો 3 વખત લોકસભા અને એક વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે રાઠવા....નારણ રાઠવા 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી. 1990માં સૌથી પહેલી વખત સાંસદ બન્યા...ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થઈ 1995માં સાંસદ બન્યા...જો કે 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો....2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા અને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી બન્યા હતા. જો કે ફરી 2009 અને 2014માં ભાજપ સામે હારનો સ્વાદ ચાખ્યો...નારણ રાઠવા અહેમદ પટેલની ખૂબ નજીકના ગણાતા હતા. અને તેનો લાભ નારણ રાઠવાનો 2018માં મળ્યો. વર્ષ 2018માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
કોણ છે નારણ રાઠવા?
- 3 વખત લોકસભા અને 1 વખત રાજ્યસભાના સાંસદ રહ્યા
- 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી
- 1990માં સૌથી પહેલી વખત સાંસદ બન્યા
- કોંગ્રેસમાં સામેલ થઈ 1995માં સાંસદ બન્યા
- 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હાર
- 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા
- મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી બન્યા
- 2009 અને 2014માં ભાજપ સામે હારનો સ્વાદ ચાખ્યો
- અહેમદ પટેલની ખૂબ નજીકના ગણાતા હતા
- વર્ષ 2018માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા
ત્રણ દાયકાથી પણ વધારે સમય કોંગ્રેસમાં વિતાવ્યા પછી કોંગ્રેસને રામ રામ કહેવાનું કોઈ તો કારણ હોય જ...બાકી આટલો મજબૂત રાજકારણી ક્યારેય પોતાની પાર્ટી ન છોડે. રાઠવાએ કેસરિયો કર્યો તેના અનેક કારણો હોઈ શકે છે. જેની વાત કરીએ તો નારણ રાઠવા છોટાઉદેપુર લોકસભાથી ભાજપના ઉમેદવાર હોઈ શકે, પુત્રને રાજનીતિમાં સેટ કરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે. જો છોટાઉદેપુરથી નારણ રાઠવા ન લડે તો તેમના પુત્ર સંગ્રામ રાઠવા હોઈ શકે છે ઉમેદવાર...તો સંગ્રામ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે. તો સહકારી ક્ષેત્રમાં આગળ વધવા માટે સત્તા પક્ષની પીઠબળ જોઈએ. કદાચ આ પણ રાઠવાના કેસરિયાનું કારણ હોઈ શકે છે.
શું હોઈ શકે 'કેસરિયા'નું કારણ?
- છોટાઉદેપુર લોકસભાથી ભાજપના ઉમેદવાર હોઈ શકે
- પુત્રને રાજનીતિમાં સેટ કરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે
- છોટાઉદેપુરથી પુત્ર સંગ્રામ રાઠવા હોઈ શકે છે ઉમેદવાર
- સંગ્રામ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર છે
- સહકારી ક્ષેત્રમાં આગળ વધવા માટે સત્તા પક્ષની પીઠબળની જરૂર
છોટાઉદેપુર લોકસભા બેઠક આદિવાસી બહૂમતિ ધરાવતી આદિવાસી માટે અનામત બેઠક છે. આ જિલ્લામાં હવે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે તેમ કહીએ તો ખોટું નથી. કારણ કે આ જિલ્લામાંથી પહેલા મોહન રાઠવા અને હવે નારણ રાઠવાના કેસરિયાથી કોંગ્રેસ પાસે કોઈ મોટો નેતા બચ્યો નથી. ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળે તેવી પુરેપુરી સંભાવના છે. જો કે પ્રજા શું કરે છે તે લોકસભા ચૂંટણીમાં જોવું રહ્યું.