ઉદય રંજન, અમદાવાદઃ અત્યાર સુધીમાં લગ્નના નામે છેતરપિંડી કરનાર લુટેરી દુલ્હનના  કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. પરંતુ સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ઓફિસ ધરાવતા આયોજક દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 113 યુગલોને લગ્નના તાંતણે બાંધવાના સપના બતાવી આયોજક દ્વારા કોઈ જ આયોજન ન કરી છેતરપિંડી કરવામાં આવી છે. આ હકીકતનો ખુલાસો લગ્નની આગલી રાતે થતા આ મામલે વરઘોડિયાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ત્વરિત કાર્યવાહી કરીને આયોજકની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક બે નહીં પરંતુ 113 પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે અને અનેક યુગલોના સપનાને તોડવાનું કામ કર્યું છે. આરોપી પ્રકાશ પરમાર હિન્દુ જન વિકાસ સેવા સંઘમાં ટ્રસ્ટી હોય તેણે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં 113 જેટલા યુગલોએ યુગલ દીઠ 22 હજાર રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આરોપીએ વસ્ત્રાલમાં સમૂહ લગ્ન 27મી મેના રોજ યોજાશે તેવી બાંહેધરી આપી અને લગ્નમાં કરિયાવર પણ આપવાની વાત કરી હતી. જોકે લગ્નની આગલી રાત્રે યુગલોના પરિવારજનો લગ્ન સ્થળે પહોંચતા ત્યાં સુમસામ ખાલી જગ્યા જોવા મળી. ન તો ત્યાં લગ્નના માંડવા હતા ન તો અન્ય કોઈ વ્યવસ્થા.


આ પણ વાંચોઃ કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા? શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?


આ બાબતની જાણ થતાં એક બાદ એક તમામ યુગલોને થતા મોટી સંખ્યામાં પરિવારજનો એકત્ર થયા હતા અને અમરાઈવાડીમાં ભારતી નગર ખાતે આવેલી ટ્રસ્ટી પ્રકાશ રામભાઈ પરમારની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં પણ તાળા જોવા મળ્યા હતા અને તેને સંપર્ક કરતા ફોન પણ સ્વીચ ઓફ હોય તેવું ધ્યાને આવ્યું હતું. તેથી તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા મોટી સંખ્યામાં પરિવારજનો અમરાઈવાડી પોલીસ મથકે પહોંચ્યા હતા. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પંકજ વાઘેલા નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ પરમાર ને પકડી તપાસ શરૂ કરી છે.


આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દ્વારા અગાઉ ગત મહિને જ આરોપીએ એક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં નક્કી કરાયેલા ખર્ચ કરતા વધુ પૈસા વપરાઈ ગયા હોય અને આ વખતે યોજાયેલા 113 સમૂહ લગ્નમાં ખર્ચ કરવા માટેના પૂરતા પૈસા ન હોય જેથી તેણે લગ્નનું આયોજન કર્યું ન હતું. જોકે આરોપી દ્વારા જે લોકોના લગ્ન થઈ ચૂક્યા હોય પરંતુ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન ન થયા હોય તેઓને પણ લગ્ન કરી શકશે તેવી હતી અને લાલચ આપતા અનેક લોકો આરોપીના ઠગાઈનો શિકાર બન્યા છે. આ કેસને લઈને પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.