અમદાવાદ: મોટેરા સ્ટેડિયમ નજીકથી વિશાળ ખાડો મળી આવતા તંત્ર દોડતું થયું !
અમદાવાદ શહેરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થઇ રહ્યું છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે હાઉડી ટ્રમ્પ નામના કાર્યક્રમમાં હાજર રહેવાના છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ શહેરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થઇ રહ્યું છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે હાઉડી ટ્રમ્પ નામના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શક્ય તેટલા તમામ રૂટ્સ પર ન માત્ર પોલીસ પરંતુ કોર્પોરેશન સહિતનું તંત્ર કામે લાગી ગયું છે. આ રૂટ પરની દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે દબાણ હટાવી રહેલી ટીમનાં દબાણ હટાવવા દરમિયાન આ ટીમને આશ્ચર્યજનક વસ્તુ મળી આવી હતી.
કેમ છો ટ્રમ્પ? રોડ પરથી તમામ હોર્ડિંગ ઉતારી લેવાયા, રોડ અને હેલિપેડની તૈયારી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરના મોટેરા સ્ટેડીયમના લોકાપર્ણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ રહી છે. જે અંતર્ગત મોટેરા સ્ટેડીયમ તરફ જતા માર્ગ પર કાલીકા ધામ મંદીરની બહારનું દબાણ પણ દૂર કરવામાં આવ્યુ. આ કામગીરી દરમિયાન એક વિશાળ ખાડો મળી આવતા તંત્રમાં થોડા સમય માટે દોડધામ મચી ગઇ હતી. જો કે તે વર્ષો જુનો 80 ફૂટ કરતા વધુ ઉંડો કૂવો હોવાનું સામે આવતા તંત્રને હાશકારો થયો હતો. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં કુવાની ઉપર આડશો મૂકીને તેને બંધ કરવામાં આવ્યો છે. પરંતુ સાથે જ તેની ઉપર રોડ બનાવીને ચોમાસા દરમ્યાન રોડ ઉપર એકઠા થતા વરસાદી પાણીનો નિકાલ આ કુવામાં થાય તે મુજબ કુવાને પરકોલેટીંગ વેલ તરીકે વિકસાવવાની કામગીરી કરવાનું આયોજન કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube