વિઠ્ઠલાપુર દલિત કાંડઃ પીડિત પરિવારને 50 હજારની સહાય, વર્ગ વિગ્રહ કરનાર સામે કરાશે કાર્યવાહી- DGP
પોલીસે આ મામલે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદઃ વિઠ્ઠલાપુર ગામમાં દલિત યુવક ઉપર કેટલાક યુવકોએ કરેલા અત્યાચાર મામલે DGPએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે સમગ્ર મુદ્દે તટસ્થતાથી તપાસ કરવામાં આવશે. પીડિત પરિવારને 50 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. હજુ પણ વધારાની સહાય ચુકવવામાં આવશે. ભોગ બનેલા પરિવારજનોનું પોલીસ દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવશે.
DGP શિવાનંદ ઝાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આ મામલે સંવેદનશીલ છે, સમગ્ર મુદ્દે તપાસમાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનાર સામે પણ પગલા લેવામાં આવશે. આ માટે FSL ટીમની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યમાં જ્યાં પણ આવી ઘટનાઓ બની રહી છે તેવા ગામડાઓની પોલીસ મુલાકાત લેશે અને આવી ઘટનાઓ બનતા અટકાવવાનો પ્રયાસ કરશે. પીડિત યુવકને 50 હજારની સહાય ચૂકવવામાં આવી છે, તથા વધુ 1.50 લાખની સહાય ચાર્જસીટ દાખલ થયા બાદ ચુકવવામાં આવશે.
દલિત યુવકને માર મારવા મામલે બે આરોપીની ધરપકડ
સમગ્ર ઘટના પર નજર કરીએ તો 14 જૂન 2018ના રોજ વિઠ્ઠલાપુર ગામમાં દલિત યુવકને માર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે વહીવટીતંત્રએ પીડિત યુવકનું કાઉન્સલીંગ કરી ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં પીડિત પરિવારને પોલીસ પ્રોટેક્શન આપી બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં વિવિધ કલમો લગાવી ભરતસિંહ ભીમસિંહ, જયદિપસિંહ, ચેહરસિંહ અને યોગેશ્વરસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિક દ્વારા પીડિત યુવકની મુલાકાત કરવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઇને એસ.ટી એસ.સી સેલને તપાસ સોંપવામાં આવી હતી, જેઓએ 14 ટીમ બનાવી બે આરોપીની ધરપકડ કરી હતી.
તો જિલ્લા ક્લેક્ટરના આદેશથી પીડિત યુવકને 50 હજારની સહાય ત્વરિત ધોરણે ચુકવવામાં આવી હતી. સામાજિક ન્યાય અધિકારીતા ગુજરાત વિભાગ દ્વારા પીડિત યુવકને આર્થિક મદદરૂપે યુવકના ઘરે જઇને ચેક અપાયો હતો. અને ભયમુક્ત રહેવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ ઘટનામાં અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, આ ઘટનામાં તમામ આરોપીઓ સજા ફટકારવામાં આવશે અને પરિવારને સુરક્ષા પુરી પાડવામાં આવશે.