હવે નહીં સચવાય! રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે, તંત્રએ લીધો સૌથી મોટો નિર્ણય
રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તંત્ર હવે ઢોરને પકડી પશુ પાલન કરવા માટે ખેડૂતને મફત આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગર મનપા દ્વારા જપ્ત કરેલા રખડતા ઢોરને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં આપશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં રખડતા ઢોર એક વિકટ મુદ્દો બનતો જઈ રહ્યો છે, ત્યારે રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તંત્ર હવે ઢોરને પકડી પશુ પાલન કરવા માટે ખેડૂતને મફત આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગર મનપા દ્વારા જપ્ત કરેલા રખડતા ઢોરને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં આપશે.
ગાય, વાછરડું અને બળદ ખેડૂતોને મફતમાં આપશે
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા જપ્ત કરાયેલા રખડતા ઢોરને મફતમાં ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે. જી હા...ગાય, વાછરડું અને બળદ ખેડૂતોને મફતમાં આપશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગાંધીનગર મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે. પરંતુ હા...ગાંધીનગર વિસ્તારમાં મફત ગાય, વાછરડું કે બળદ આપવામાં આવશે નહીં.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પશુઓ આપવામાં આવશે
ખેતી કરવા માટે બળદ કે પશુ પાલન માટે દૂધ આપતી ગાય કે વાછરડા વાછરડી મેળવવા માટે ખેડૂત હોવાના અને રહેઠાણના યોગ્ય પુરાવા આપવા પડશે. જે બાદ લેખિત પરવાનગી આપશે. જે બાદ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પશુઓ આપવામાં આવશે.
નવી પોલિસી બનાવી છતાં સ્થિતિ ના સુધરી!
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મહાનગરોમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત ટાળી શકાય તેમજ ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી પોલિસી બનાવવામાં આવી છે. તેમ છતાં ઢોર માલિકો માની રહ્યા નથી અને તંત્રના આદેશને ઘોરીને પી ગયા હોય તેમ ઢોર રખડવા મૂકી દે છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે.