ગૌરવ પટેલ/ગાંધીનગર :મોટી સંખ્યામાં ખેડૂતો આજે ગાંધીનગર પહોંચ્યા છે. આજથી સરકાર સામે કિસાન સંઘે મોરચો માંડ્યો છે. ગુજરાતભરના ખેડૂતોના પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આખરે કિસાન સંઘે ગાંધીનગર તરફ મોરચો માંડ્યો છે. જ્યાં સુધી સરકાર તેમની માંગણી ઉકેલે નહિ ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે તેવી ચીમકી ખેડૂતોએ આપી છે. ગાંધીનગરમાં કિસાન સંઘ ધરણાં પર ઉતર્યાં છે. મીટર પ્રથા અને હોર્સ પાવર પ્રથાના વિરોધમાં અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કરાયા છે. ગાંધીનગર કૂચ કરી રહેલા ખેડૂતોએ રજૂઆત કરી કે, તેમને નુકસાન થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર સરદાર પટેલની પ્રતિમાંથી કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. સરકાર જ્યાં સુધી આ અંગે નિર્ણય ન લે ત્યાં સુધી કિસાન સંઘ ધરણાં કરશે અને પોતાની માંગ પર અડગ રહેશે તેવું જણાવ્યું છે. કિસાન સંઘના પ્રમુખ જગમલભાઈએ જણાવ્યું કે, સરદાર પટેલની પ્રતિમાના આજે અમે આર્શીવાદ લેવા જઈ રહ્યાં છીએ. સરકાર બહેરી બની ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યાં છે કે, અમારો વીજળીનો પ્રશ્ન યથાવત છે. મીટર અને હોર્સ પાવર વચ્ચે ભાવ ફરક છે. ખેડૂતોને તળિયામાં પાણી નથી,. મીટર પોસાતું નથી, સરકારના કાન ખોલવા ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટી પડ્યાં છે. અમારી ધરણા કરવાની અરજી અમે 21 તારીખે આપી હતી, છતાં અમને સ્થાન આપ્યુ નથી, તેથી અમે આજે સરદાર પટેલના આર્શીવાદ લેવા જઈએ છીએ. સરકાર પાસે હજી 12 કલાક છે, હજી પણ સાંભળી લે. મુખ્યમંત્રી નિર્ણય લે અને ખેડૂતોને શાંતિથી ખેતી કરવા દે. ગુજરાતના ખેડૂતોને રોડ પર ન લાવે. 


આ પણ વાંચો : ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન, કેન્સરથી પીડિત હતા


ખેડૂતોની રેલીમાં ‘જય જવાન જય કિસાન’ના નારા લાગ્યા હતા. પ્રમુખે વધુમાં કહ્યું કે, 27 વર્ષથી સરકાર અમારું સાંભળતી નથી. ખેડૂતો નુકસાન કર્યા વગર ગાંધીજીના માર્ગે આંદોલન કરે છે. ધરતીમાં પાણી નથી, મીટર પોસાતું નથી, એક ભાઈને ફળ અને એક ભાઈને ગોળ એવું કેમ. જો અમારી સમસ્યાનો ઉકેલ નહિ આવે તો અમે ગામડા બંધ કરીશું, ધારાસભ્યો અને સાંસદોનું ગામડામાં જવાનુ મુશ્કેલ કરીશું.