ફિક્કી ફ્લો બેંગ્લોર ચેપ્ટર માટે ગરબા નાઇટનું કરાયું આયોજન
આ રાત્રી મહિલા શક્તિ, એકતા અને પારિવારિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ, જેમાં બેંગ્લોર ચેપ્ટરના તમામ સભ્યો માટે નવરાત્રી રમવા તથા આનંદ અને ઉત્સાહસભર મનોરંજન માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
અમદાવાદ: ફિક્કી ફ્લો બેંગ્લોર ચેપ્ટરના 90 મહિલાઓના ઉત્સાહી ગ્રુપ માટે નવરાત્રી હંમેશા માટે યાદગાર બની રહી હતી. વડોદરા શહેરની તેમની ત્રણ દિવસની મુલાકાતમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ચાંપાનેરની મુલાકાત લીધી હતી તેમજ ગાયકવાડ પેલેસ ખાતે હાઇ-ટી લીધી હતી. જોકે, આ બધામાં તેઓ યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા સૌથી વધુ આતુર હતાં. તેમના માટે આ મનોરંજન, મ્યુઝિક અને ડાન્સથી ભરપૂર ગરબા નાઇટ રહેવાની હતી પરંતુ, ઇન્દ્રદેવે કંઇક અલગ જ વિચાર્યું હતું. ભારે વરસાદને કારણે વડોદરાના તમામ મેદાન ભીંજાઇ જતાં કાર્યક્રમ ઉપર પાણી ફરી વળ્યું હતું.
જોકે, આ દરમિયાન ફ્લોના બે સભ્યો – રૂપા પટેલ (ફ્લો અમદાવાદાના ભુતપૂર્વ ચેર) અને તરૂણા પટેલ (ફ્લો ચેમ્પટર અમદાવાદના સિનિયર વાઇસ ચેર) હરકતમાં આવ્યાં અને સફળ ગરબા આયોજનનો પડકાર ઝીલ્યો. જાણીતા ગાયક પ્રાપ્તિ મહેતા અને તેમની ટીમે સકારાત્મક પ્રતિસાદ આપવા સાથે તમામ કામગીરીની શરૂઆત થઇ. તેમણે મ્યુઝિશિયન્સ, સિંગર્સ, પર્ફોર્મર્સને ભેગા કર્યાં તથા તરૂણા પટેલની ટીમે માત્ર એક જ કલાકમાં લગભગ 200 લોકો માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી. આ રાત્રી મહિલા શક્તિ, એકતા અને પારિવારિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ, જેમાં બેંગ્લોર ચેપ્ટરના તમામ સભ્યો માટે નવરાત્રી રમવા તથા આનંદ અને ઉત્સાહસભર મનોરંજન માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
કાળજીપૂર્વકનું આયોજન, અમલીકરણ અને લોજીસ્ટિક્સ ખરા અર્થમાં અસરકારક પ્લાન બી સાબિત થયો. મધુભાન રિસોર્ટ એન્ડ સ્પામાં ગુલમોહર હોલ ખાતે યોજાયેલી ગરબા નાઇટ અને તરૂણા પટેલની મહેમાનગતિને ઉપસ્થિત તમામ લોકોને વખાણી તથા ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધતા અને પરંપરાનો અનુભવ પણ કર્યો. બેંગ્લોરની મહિલાઓ માટે આ કાર્યક્રમ હંમેશ માટે યાદગાર બની રહ્યો હતો.