ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ જિલ્લાના ગૌરીદળ ગામમાં સબસિડીના ગેસ સિલેન્ડરને બ્લેકમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. તહેવારની સીઝન હોવાથી પ્રોવિઝન સ્ટોરના માલિક બ્લેકમાં સિલિન્ડરનું વેચાણ કરી રહ્યા છે. એજન્સીના રજિસ્ટર્ડ ગ્રાહક હોવા છતા તેમને ગેસ સિલેન્ડર પર અપાતા નથી. રજિસ્ટર્ડ ગ્રાહક પાસેથી વધુ રૂપિયા લઈ બ્લેકમાં સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરના માલિક ખીમજી અજાણીનો વીડિયો વાયરલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં ખીમજી અજાણીએ બ્લેકના ધંધાનું સ્વીકાર્યું 
સબસિડીના ગેસ સિલિન્ડરનું ખીમજી અજાણી દ્વારા ખુલ્લેઆમ બ્લેકમાં વેચાણ કરવામાં આવે છે. 1050 રૂપિયાના ગેસ સિલિન્ડરનું બ્લેકમાં 1350 રૂપિયામાં વેચાણ થાય છે. વાયરલ વીડિયોમાં ખીમજી અજાણી સ્પષ્ટ કહે છે કે, અમે બ્લેકમાં આ સિલિન્ડર વેચવા માટે રાખ્યા છે. હાલમાં ગોડાઉન બંધ હોવાથી બ્લેકમાં વેચાણ માટે ગેસના બાટલા રાખ્યા હોવાનું ખીમજી અજાણીએ વીડિયોમાં જાણાવ્યું. બ્લેકમાં સિલિન્ડર હોવાથી સબસિડી ન મળવાનો પણ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. જોકે, વાયરલ વીડિયો અંગે ZEE 24 કલાક પુષ્ટિ નથી કરતું.


આ પણ વાંચો : ગુજરાતને લજવતો કિસ્સો, માતાપિતાએ 40 હજારમાં કાળજાના કટકાને વેચી નાંખી, દલાલો 4 લાખમાં કરાવવાના હતા લગ્ન


ઉલ્લેખનીય છે કે, તહેવારની સીઝનમાં બ્લેકમાં ગેસના સિલિન્ડરનું વેચાણ વધ્યું છે. વાયરલ વીડિયોમાં પ્રોવિઝન સ્ટોરમાં માલિક કહે છે કે, હાલમાં તહેવારની સીઝન હોવાના કારણે ગેસ સિલિન્ડર કંપની બંધ છે. અમારી પાસે હાલમાં 10 જેટલા સિલિન્ડર છે. જો તમારે લેવાના હોય તો તમને 1350 રૂપિયા આપવાના રહેશે.



આ વીડિયો તંત્ર સામે અનેક સવાલો પેદા કરે છે. શું ગેસ સિલિન્ડરને બ્લેકમાં વેચતા લોકો સામે કાર્યવાહી થશે? કનેક્શનધારકોને કેમ સિલિન્ડર અપાતા નથી? તહેવારની સીઝનમાં કાળા બજારી કરવા એજન્સી બંધ રખાય છે? ખુલ્લેઆમ બ્લેકમાં વેચાતા સિલિન્ડર છતા તંત્ર કેમ અજાણ છે? કોની રહેમ નજર હેઠળ ચાલે છે સિલિન્ડરનો કાળો કારોબાર?