ગુજરાતને લજવતો કિસ્સો, માતાપિતાએ 40 હજારમાં કાળજાના કટકાને વેચી નાંખી, દલાલો 4 લાખમાં કરાવવાના હતા લગ્ન

Crime News : બે  મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલોને વેચી મારી

ગુજરાતને લજવતો કિસ્સો, માતાપિતાએ 40 હજારમાં કાળજાના કટકાને વેચી નાંખી, દલાલો 4 લાખમાં કરાવવાના હતા લગ્ન

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના જિલ્લાના થરાદના ડેલ ગામમાંથી બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે. થરાદ પોલીસની સતર્કતાના કારણે મૂળ લુણાવાડા અને અમદાવાદમાં મજૂરી કરતા એક ગરીબ પરિવવારની સગીર દીકરીનું કેટલાક લોકો થોડાક રૂપિયાની લાલચમાં વેચવાના હતા. તેનું લગ્ન કરાવે તે પહેલાં બાતમીના આધારે પોલીસે ડેલ ગામમાં રેડ કરી ગુલાબબેન વાઘેલા અને જીવણ જોશી નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. કિશોરીને તસ્કરોના કબજામાંથી મુક્ત કરાવી અને કિશોરીના માતા પિતા સહિત 8 લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતાપિતાએ દીકરીને 40 હજારમાં વેચી 
ગુજરાત રાજ્યમાં માતા પિતા અને પુત્રીના સંબંધને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક જરૂરિયાતને લઈ માતા પિતાએ દીકરીનો જ વેપાર કરી દીધો. મૂળ મહીસાગર જિલ્લાના  લુણાવાડા તાલુકાના રહેવાસી અને હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહી મજુરી કરી પેટિયું રળતા દંતાણી પરિવારની 17 વર્ષીય કિશોરીને તેને માતાપિતાએ માત્ર રૂ.40 હજારમાં દલાલોને વેચી દીધી હતી. તો આ દલાલોએ કિશોરીને બનાસકાંઠામાં મોકલી રૂ.4 લાખમાં લગ્ન કરાવવાનો સોદો તો કરી દીધો, પરંતુ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ હતી. પોલીસ આ કિશોરીનું વેચાણ કરાય તે પહેલા જ કિશોરીને જે જગ્યાએ રાખી હતી તે ડેલ ગામે પહોંચી આ દલાલોના મનસૂબા પર પાણી ફેરવી કિશોરીને દલાલોની ચૂંગલમાંથી મુક્ત કરાવી.

લગ્ન ઈચ્છુક યુવાનોને સગીરાઓ વેચવાનો ખેલ ચાલતો 
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના શાહપુરમાં રહેતી રમીલાદીદી અને હંસામાસી નામની બે  મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલ ગુલાબબેન મફજી વાઘેલા અને ફૃલબાઈ બળવંતભાઈ વાઘેલાના ઘરે લઈ આવ્યા હતા. ડેલ ગામમાં કિશોરીને મહિલા દલાલે પોતાના ઘરમાં રાખી અને દિયોદર તાલુકાના દેલવાડા ગામના જીવણ જોશી નામના દલાલને સાથે રાખ્યો હતો. જેથી જીવણ જોશી લગ્ન કરવા ઈચ્છુક યુવાનોને બાળ કિશોરીના સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો અને વીડિયો મોકલી દલાલી કરવા લાગ્યો હતો. ત્યારે આ દલાલો કિશોરીને 4 લાખથી વધુના પૈસાથી વેચાણ કરી લગ્ન કરાવાના ફિરાકમાં હતા. 

પોલીસે અટકાયત કરેલા આરોપી

  • ગુલાબબેન મફજી વાઘેલા (રહે.ડેલ, તા.થરાદ)
  • જીવણ કરશન જોશી (રહે. દેલવાડા, તા.દિયોદર) 

No description available.

મહિલા દલાલો અને ફરાર આરોપીઓ

  • રમીલાદીદી (રહે.શાહપુર, અમદાવાદ)
  • હંસામાસી (રહે.અમદાવાદ)
  • ફૂલીબાઈ બળવંતભાઈ વાઘેલા (રહે ડેલ, તા.થરાદ)
  • મગજી કરશન વાઘેલા (રહે ડેલ., તા.થરાદ) 
  • પૂનમાભાઈ કેશાભાઈ દંતાણી (કિશોરીનો પિતા) હાલમાં રહે નરોડા અને મૂળ વતન લુણાવાડા, મહીસાગર 
  • કોકિલાબેન પુનમાભાઈ દંતાણી (કિશોરીની માતા)

આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં ભડકો, જાણી લો આજનો નવો ભાવ

ગરીબ દીકરીઓને વેચીને ગુલાલ પોતાનું ગુજરાન ચલાવતી
આ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને બાતમીના આધારે થઈ હતી. જેને લઈ પોલીસે ડેલ ગામે રહેતી ગુલાબબેન મફજી વાઘેલાના ઘરે રેડ કરી હતી. ઘરમાંથી ગુલાબબેન અને દીયોદરના દેલવાડા ગામના જીવણ કરશન જોશીને ઝડપી પાડ્યો હતો. સાથે જ તેમની ચૂંગલમાં રહેલી કિશોરીને મુક્ત કરાવી હતી. જો કે તે બાદમાં કિશોરીની પૂછપરછ કરી તો કિશોરીનો પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને આ કિશોરીનો સોદો કરી અને ડેલ ગામે વેચી મારી હોવાનું ખુલ્યું હતું. જેને લઈ પોલીસે ગુલાબબેન મફાજી વાઘેલા અને જીવણ કરશન જોશીની અટકાયત કરી સમગ્ર રેકેટમાં સંડોવાયેલા કિશોરીના માતા પિતા સહીત 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ દલાલો અન્ય કોઈ આવી તસ્કરી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ પુછપરછ દરમ્યાન પોલીસના હાથે ઝડપાયેલી  ગુલાબબેન ગરીબ પરિવારની દીકરીઓને ખરીદી ઊંચા ભાવે દીકરીઓને વેચી તેમાંથી કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હોવાનું સામે આવ્યું.

આ વિશે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અમને જાણ થતા અમે બે લોકોની અટકાયત કરી છૅ અને કિશોરીને મુક્ત કરાવી છૅ. થરાદ પોલીસે આરોપીઓ સામે IPC કલમ 363, 366, 368, 370, 34, તેમજ ધી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 81 મુજબ ગુનો દાખલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news