તેજસ દવે/મહેસાણા: જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા કસલપુર ગામની સીમમાં ઓએનજીસી ના કુવા નંબર 377 માં હવાના પ્રેસર સાથે પ્રેસરમાં ગેસ લીકેજ જેવી સ્થિતિ છે અને તેના કારણે કસલપુર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કસલપુર ગામમાં ગેસ લીકેજ થી દુર્ગંધ અને શ્વાસમાં તકલીફના કારણે ગામમાંથી અનેક લોકો ઘર છોડી જતા રહ્યા છે અને ગામ અનેક મકાનોને તાળા વાગી ગયા છે અને રસ્તા સુમસામ થઈ ગયા છે. જો કસલપુર ગામના સરપંચની વાત માનીએ તો 300 લોકો ગામ છોડી જતા રહ્યા છે અને યુવાનોએ ગ્રામ પંચયાતમાં ધામા નાખી ઓએનજીસીના કુવામાંથી હવાનું પ્રેસર બંધ થાય અને ગેસ લીકેજની દુર્ગંધ બંધ થવાની રાહ જોઈને બેઠા છે.


કસલપુર ગામ પાસે આવેલી ONGC વેલમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન એકાએક લીકેજ થતા ગેસવાયુ સમગ્ર પંથકમાં ફેલાઈ ગયો હતો. જે મામલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળે તંત્રની તમામ ટીમો દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ અને ONGC ના કર્મીઓ દ્વારા વેલ પર જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે. લીકેજના કારણે 2 કિલોમીટર અંદર કોઈ પ્રવેશ કરે તો એ વ્યક્તિને ગળા અને આંખો બળવાની સમય સર્જાઈ છે. તેમજ કોઈ જાનહાનિ ન થાય એ માટે માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે.