ચેતન પટેલ/સુરત :વધતા પ્રદૂષણને જોતા લોકો હવે ઈકો ફ્રેન્ડલી હોળી તરફ વળ્યા છે. ઈકો ફ્રેન્ડલી હોળી મનાવવા માટે સુરતમાં અનોખી ગૌ-સ્ટીક બનાવવામાં આવી છે. વૈદિક હોળીની ઉજવણી માટે આ સ્ટીકને ગાયના છાણમાંથી બનાવવામાં આવી છે. સામાન્ય રીતે હોળીમાં લોકો છાણ અને લાકડાનો ઉપયોગ વધુ કરતા હોય છે. જેનાથી પર્યાવરણને નુકસાનની સાથે પ્રદૂષણની માત્રામાં પણ વધારો થાય છે. જેથી સુરતની પાંજરાપોળમાં ખાસ ગૌ-સ્ટીક તૈયાર કરવામાં આવી છે. જેમાં 8 હજાર 500 ગાયના છાણમાંથી ગૌ-સ્ટીક તૈયાર કરી છે. જેથી લાકડાના બદલે આ ગૌ-કાષ્ટનો ઉપયોગ કરી લોકો વૈદિક હોળીની ઉજવણી કરી શકે છે. એક ગૌ-કાષ્ટની કિંમત માત્ર 15 રૂપિયા રાખવામાં આવી છે. જેની સુરત સહિત રાજ્યભરના શહેરોમાં ડિમાન્ડ વધી રહી છે. આ ગૌ-કાષ્ટની ખરીદી ઓનલાઈન પણ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે હોળીના પર્વમાં લાકડાને બાળવામાં આવે છે. જો કે આ વર્ષે પર્યાવરણને પ્રદુષણમુક્ત રાખવા માટે સુરત પાંજળાપોળ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે. પાંજરાપોળ દ્વારા ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવવામાં આવી છે. આ વર્ષે 60 થી 70 ટન ગોબર સ્ટીક બનાવવામાં આવી છે. લોકો ગોબર સ્ટીક તરફ વળે તે માટે આ વખતે સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર પ્રસાર પણ કરાયો છે. લોકોને જાગૃત કરાઈ રહ્યાં છે. 


આ પણ વાંચો : સુરતની હોળી લવલી વગર અધૂરી, જાણો કોણ છે આ પદમણી નાર અને રૂપ રૂપનો અંબાર


હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણલક્ષી એવી વૈદિક હોળી ઉજવવા માટે સુરત પાંજરાપોળમાં તૈયારીઓ થઈ રહી છે. સુરતમાં તરછોડાયેલી ગીર ગાય સહિતની ગાયોના છાણમાંથી 17000 કિલો ગૌ-કાષ્ટ બનાવાઈ છે. વૈદિક હોળીથી વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુનો નાશ થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે અને તેમની સેવા પણ થાય એ માટે સમાજમાં વૈદિક હોળી વિશે જાગૃતતા પણ આવી છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે. 


પાંજરાપોળમાં તરછોડાયેલી કુલ 8500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ બનાવાઈ છે. એટલું જ નહીં તરછોડાયેલી ગીર ગાયોના છાણમાંથી પણ ગૌ-કાષ્ટ બનાવાઈ  છે. લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી ફરી વખત વૈદિક હોળીનો વ્યાપ વધી રહ્યો છે. સુરત પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી નયનભાઈ ભરતીયાએ કહ્યું કે, ગત વર્ષે 9000 કિલો ગૌ-કાષ્ટનું વેચાણ કરાયું હતું. જો કે આ વર્ષે 17000 કિલો ગૌ-કાષ્ટ તૈયાર કરી છે. જેમાં ગીર ગાયોના છાણનો પણ ઉપયોગ કર્યો છે. ઓનલાઈન વેચાણ થાય એ માટે પણ પ્રયાસ કર્યો છીએ. ગૌ કાષ્ટ માત્ર રૂ. 15 પ્રતિ કિલો છે. સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ડિમાન્ડ છે. તેનાથી જે કંઈ પણ આવક થશે, તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરાશે.


વૈદિક હોળીનું મહત્વ


વૈદિક હોળીનું એક મહત્વ છે કે, તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુ હોય છે, જેનો નાશ છાણાની હોળીની જ્વાળાથી થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે છે અને ગૌ-કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થાય છે. જેથી લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી તેનો ઉપયોગ કરાય છે.