ઝી ન્યૂઝ/ગાંધીનગર: એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે છે. રાજ્ય સરકાર પણ સિંહોના જતન માટે અનેક કાર્યો કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી સિંહોના મોત થઈ રહ્યા છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. સિંહોના મૃત્યુ મામલે આજે વિધાનસભામાં એક ચોંકાવનારો આંકડા સામે આવતા ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા પ્રશ્નોત્તરીકાળમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 283 સિંહોના મોત થયા છે. તેમાંથી 29 સિંહોના મૃત્યુ અકસ્માતના કારણે થયા હોવાનું ખૂલ્યું છે. જ્યારે 254 સિંહોના મૃત્યું છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે થયા હોવાનો ખુલાસો થયો છે. 


કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કરતા ખળભળાટ મચ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ગીર અભાયરણ્યમાં 72 સિંહના મૃત્યુ થયા છે. ધારાસભ્ય પ્રતાપ દુધાતના પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કરતા સામે આવ્યું હતું કે, હાલ ગીર અભયારણ્યમાં 345 સિંહ છે. છેલ્લા 2 વર્ષમાં 24 દીપડાના મૃત્યુ થયાની માહિતી પણ સરકારે આપી છે. એટલું જ નહીં, 2 વર્ષમાં 5 દીપડાના અકુદરતી રીતે મૃત્યુ થયા છે.


નોંધનીય છે કે, વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2018માં 59 જયારે વર્ષ 2019માં 79 સિંહ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી 11 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. તે જ રીતે વર્ષ 2018માં 54 સિંહ બાળ જયારે 2019માં 69 સિંહ બાળના મૃત્યુ થયા હતા. જેમાંથી 6 અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા. વર્ષ 2016 અને 2017માં 184 સિંહ મૃત્યુ પામ્યા તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા. એશિયાટિક સિંહોનાં મૃત્યુના આંકડાઓને સતત ચિંતાનો વિષય બની રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube