નિર્દયતાની હદ હોય, થીજવી દે તેવી ઠંડીમાં નવજાત બાળકીને કપડા પહેરાયા વગર તરછોડાઈ, ટાઢથી થયુ મોત
- ઠાસરાના નનાદરામાં નવ જાત બાળકી મૃત હાલતમાં મળી આવતાં ચકચાર
- ઉત્તરાયણની સંધ્યાએ ગામના ખડીયાટ રસ્તા પર નાળાની કિનારીએ નવ જાત બાળકી મૃત હાલતમાં મળી
- ગામના સરપંચે ઠાસરા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધ્યો
- કડકડતી ઠંડીમાં તાજી જન્મેલી બાળકીને કોઇ પણ કપડા પહેરાયા વગર તરછોડી દીધી
- નિર્દયતા પુર્વકનુ બાળકીને આવી રીતે તરછોડતા કૃત્ય આચરનાર સામે લોકોનો ફિટકાર
નચિકેત મહેતા/ખેડા :બે વર્ષ પહેલા રાજકોટમાં એક બાળકી ત્યજાયેલી મળી હતી. લોકોની પ્રાર્થનાથી અને તબીબોની મહેનતથી આ બાળકી જીવી ગઈ. બે વર્ષ બાદ આજે આ બાળકીને એક પરિવારે દત્તક લીધુ છે. પરંતુ આજે ફરી એકવાર એવુ બન્યુ છે. એક જનેતાએ એટલી નિર્દયતાપૂર્વક પોતાના બાળકીને તરછોડી કે તેનો જીવ પણ લઈ લીધો. બાળકીને કપડા પહેરાવ્યા વગર જ તરછોડી દીધી હતી કે તે કડકડતી ઠંડીને કારણે મોતને ભેટી હતી. ત્યારે બાળકીના મૃતદેહને જોઈને સૌ લોકોમાં ફિટકારની લાગણી વરસી હતી કે, કોઈ આટલુ ક્રુર કેવી રીતે હોઈ શકે.
ઠાસરા તાલુકાના નનાદરા ગામે જુનુ બહુચર માતાના મંદિર પાછળ ખડીયાટ જવાના રસ્તા નાળાની કિનારીએ ઉત્તરાયણની સંધ્યા ટાંણે કોઈ નવજાત બાળકી મૃત હાલતમાં મળી હોવાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસર્યા હતા. આ ઘટનાની જાણ ગામના સરપંચ પ્રવિણભાઈ પરમારને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયુ તો એક નવજાત બાળકી તરછોડાયેલી હાલતમાં હતી. તેમણે તપાસ કરતા જોયુ તો માલૂમ પડ્યુ કે આ બાળકી મૃત હાલતમાં હતી.
આ પણ વાંચો : 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા, કાર કેનાલમાં ખાબકતા દંપતીનું મોત, લોકોએ બચાવવા દોરડું નાઁખ્યુ પણ...
બિનવારસી મૃત હાલતમાં મળી આવેલ આ બાળકીના શરીરે કોઈ જાનવરે બચકા ભરેલાના નિશાન પણ જોવા મળ્યા હતા. સરપંચે ઘટનાની જાણ ઠાસરા પોલીસને કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસ આ બાળકીના વાલીવારસોને શોધવા પ્રયાસો કર્યા પણ કોઈ મળ્યું નહોતું. આ મરણ ગયેલ નવજાત બાળકીને કોઈ અજાણી મહિલાએ પોતાના પાપ છુપાવવા બાળકીને જન્મ આપ્યા બાદ ત્યજી દીધેલું હોવાનું પોલીસે માની આ અંગે સરપંચ પ્રવિણભાઈ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરી દીધી છે.
થીજવી દે તેવી ઠંડીમાં કોઇ કપડા પહેરાયા વગર આ બાળકીને તરછોડતાં તેણીનું દર્દનાક મોત થયું હતું. નિર્દયતા પુર્વકનુ બાળકીને આવી રીતે તરછોડતા કૃત્ય આચરનાર સામે સ્થાનિક લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.