ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન 19 વર્ષ બાદ પકડાયો
ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસૈન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. ત્યારે ગોધરાકાંડ (godhrakand) ના આ આરોપીને એસઓજીની ટીમે ગઈ કાલે ઝડપી પાડ્યો છે. ત્યારે એસઓજીની ટીમને આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ગોધરા સાબરમતી રેલ્વે હત્યાંકાડનો છેલ્લા 19 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં ગોધરા પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડના ગુનામાં 19 વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ગોધરા એસ.ઓ.જી બ્રાન્ચે તેના ગોધરા સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો છે. ગોધરા સાબરમતી રેલ્વે હત્યાકાંડના ગુનાનો નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક થોડા દિવસ અગાઉ તેના ઘરે આવીને છુપાઈ રહ્યો હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. શાખાના તથા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ટીમે તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી મળી આવતાં પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા હાલ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપી પકડી કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. જે સૂચના અંતર્ગત પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા સંલગ્ન પોલીસ મથકો અને શાખાને ખાસ સૂચના આપી હતી. જે આધારે ગોધરા એસઓજી પીઆઇ એમ.પી. પંડયા અને ટીમે પણ કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન એસ.ઓ.જી. પીઆઇને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સાબરમતી રેલવેકાંડના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં 19 વર્ષથી નાસતો ફરતો આરોપી રફીક ભટુક તેના ઘરે આવ્યો છે. જે આધારે એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ગોધરા સાબરમતી રેલ્વે હત્યાકાંડના ગુનામાં નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક (મૂળ રહે.મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયુ) ની બાતમીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રફીક હુસેન ભટુક તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી તેના પાસેથી પોલીસે એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ સીઆરપીસીની કલમ 102 મુજબ કબજે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આજે વસંત પંચમીએ શુભ પ્રસંગો વચ્ચે આડે આવશે શુક્ર અને ગુરુની યુતિ, નથી કોઈ સારું મુહૂર્ત
રફીક દિલ્હીની ફેક્ટરીઓમાં છૂટક મજૂરી કરતો
વર્ષ 2002 માં ગોધરા રેલવે સ્ટેશન પાસે સર્જાયેલા સાબરમતી ટ્રેન હત્યાકાંડના રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક હુસેન ભટુકનો પણ સમાવેશ થતો હતો. જેથી તે પોતાની ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટ્યો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : પિતાના ઘરની વૈભવી દુનિયા છોડીને સુરતની 17 વર્ષની રેન્સીએ દીક્ષા લીધી
ગોધરાકાંડના 7 આરોપી વોન્ટેડ, 2 સામે રેડ કોર્નર નોટિસ
સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં હજી સાત આરોપીઓ વોન્ટેડ છે. જે પૈકી ચાર આરોપીના ટૂંકા અને અડધા નામ છે. જ્યારે બે આરોપીઓ સામે આરોપીઓ પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ વચ્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં શોકત એહમદ ચરખા અને સલીમ પાનવાલા, બંને રહે, ગોધરાનો સમાવેશ થાય છે.