આજે વસંત પંચમીએ શુભ પ્રસંગો વચ્ચે આડે આવશે શુક્ર અને ગુરુની યુતિ, નથી કોઈ સારું મુહૂર્ત

Updated By: Feb 16, 2021, 07:53 AM IST
આજે વસંત પંચમીએ શુભ પ્રસંગો વચ્ચે આડે આવશે શુક્ર અને ગુરુની યુતિ, નથી કોઈ સારું મુહૂર્ત
  • 17 વર્ષ બાદ એવું બન્યું છે કે વસંત પંચમીના દિવસે લગ્ન માટેનું એક પણ યોગ્ય મુહૂર્ત નથી આવ્યું. શુક્ર અને ગુરુના ગ્રહનો ઉત્તમ યોગ નથી બની રહ્યો
  • બંને ગ્રહનો ક્ષય થઈ રહ્યો છે એટલે ગ્રહોની યોગ સ્થિતિ સારી ન હોય તો તેવા સમયે લગ્નના પવિત્ર સબંધથી જોડાવું યોગ્ય નથી બનતું

આશ્કા જાની/અમદાવાદ :આજે વસંત પંચમી છે. વસંત પંચમી એટલે હિન્દુ ધર્મમાં સારા કામ માટેનું અતિ ઉત્તમ મુહૂર્ત. આ દિવસ હોય એટલે આંખ મીંચીને લોકો પ્રસંગ લઈ લે છે. લગ્નથી લઈને વેપાર-ધંધાની શરૂઆત, નવી ગાડી લેવી કે પછી અન્ય કોઈ શુભ કાર્યોની શરૂઆત માટે હિન્દુ શાસ્ત્રો મુજબ વસંત પંચમી (vasant panchami) ઉત્તમ દિવસ ગણાય છે. પરંતુ અંદાજે 17 વર્ષ બાદ એવું બન્યું છે કે આ વર્ષે વસંત પંચમીના દિવસે કોઈ પ્રસંગ નહિ લઈ શકાય. લગ્નના ઢોલ પણ નહિ વાગે. આ વસંત પંચમીએ લગ્ન, વસ્તુપૂજન અને યજ્ઞોપવિત માટે કોઈ જ મુહૂર્ત નથી. 

એપ્રિલ મહિના સુધી કોઈ મુહૂર્ત નથી 
લગ્નના મુહૂર્ત માટે શુક્ર અને ગુરુના ગ્રહની સ્થિતિ જોવાતી હોય છે. પરંતુ આ વર્ષે શુક્ર અને ગુરુના ગ્રહનો ક્ષય છે. તેથી લગ્નગ્રંથીએ જોડાવા માંગતા છોકરો અને છોકરીઓ આ વસંત પંચમીએ એક નહિ થઈ શકે. વસંત પંચમી બાદ પણ હોળાષ્ટક, મીનારક સહિત અનેક કારણથી એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહ સુધી કોઈ લગ્ન માટેના મુહૂર્ત નથી. 

આ પણ વાંચો :  પિતાના ઘરની વૈભવી દુનિયા છોડીને સુરતની 17 વર્ષની રેન્સીએ દીક્ષા લીધી 

લગ્ન માટે શુક્ર અને ગુરુની સ્થિતિ મહત્વની 
અમદાવાદના મહારાજ કૌશિક પાઠક આ વિશે જણાવે છે કે, સામાન્ય રીતે છોકરા અને છોકરીના જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાવા જતા હોય તે મુહૂર્તના દિવસ માટે બંનેની શુક્ર અને ગુરુના ગ્રહની સ્થિતિ જોવામાં આવતી હોય છે. કેમ બંને ગ્રહ લગ્ન જીવનમાં સુખ શાંતિ આપનાર છે. તેથી તેમની સ્થિતિ જોવી જરૂરી બનતી હોય છે. સામાન્ય રીતે વસંત પંચમીના દિવસે શુક્ર અને ગુરુના ગ્રહની સ્થિતિ અતિ ઉત્તમ હોય છે અને માટે જ તેને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે એટલે 17 વર્ષ બાદ એવું બન્યું છે કે વસતપંચમીના દિવસે લગ્ન માટેનું એક પણ યોગ્ય મુહૂર્ત નથી આવી રહ્યું. શુક્ર અને ગુરુના ગ્રહનો ઉત્તમ યોગ નથી બની રહ્યો. બંને ગ્રહનો ક્ષય થઈ રહ્યો છે એટલે ગ્રહોની યોગ સ્થિતિ સારી ન હોય તો તેવા સમયે લગ્નના પવિત્ર સબંધથી જોડાવું યોગ્ય નથી બનતું.